ભારતીય માર્કેટમાં વોડાફોન નેટવર્ક ચાલુ રહેશે કે નહીં? કંપનીના CEOએ આપ્યું આવું મોટું નિવેદન

ભારતમાં વોડાફોન પોતાના નેટવર્કને આટોપવાની તૈયારી કરી રહી છે કે શું? વોડાફોનની સીઈઓએ આપેલા નિવેદનથી વિદિત થઈ રહ્યું છે કે વોડાફોનની ભારતમાં સ્થિતિ કથળી ગઈ છે અને હાલ આખીય કંપની નાજૂક સ્થિતિમાં પહોંચી ગઈ છે.

વોડાફોને કહ્યું છે કે ટેલિકોમ સેક્ટરનું ભવિષ્ય ત્યાં સુધી લટકતું રહેશે કે જ્યાં સુધી સરકાર ઓપરેટરો પર વધુ ટેક્સ અને ચાર્જ લાદવાનું ચાલુ રાખશે.  વોડાફોનનો સંદર્ભ સરકાર દ્વારા લાદવામાં આવેલી લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ યૂસેઝ ચાર્જ અંગે છે. વોડાફોનનાં સીઈઓ નિક રેડે મંગળવારે કહ્યું હતું કે અસહયોગી રેગ્યુલેશન અને વધુ પડતા ટેક્સના કારણે નાણાકીયરીતે કંપની પર મોટો બોજો છે. આ બાબતોમાં સુપ્રીમ કોર્ટમાં પણ અમારી અનુકૂળ નિર્ણય આવ્યો નથી.

સરકારે વોડાફોન-આઈડિયા પર લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ યૂસેઝ ચાર્જ તરીકે આશરે 40,000 કરોડ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું છે. ભારતમાં ટેલિકોમ ઓપરેટરોના ભાવિ વિશે ટિપ્પણી કરતાં વોડાફોન સીઈઓએ કહ્યું હતું કે, “પરિસ્થિતિ ગંભીર છે તેવું કહેવું યોગ્ય રહેશે”. ગયા મહિને, બ્રિટીશ ઓપરેટરે સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતીય બજારમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે અને હાલના પડકારજનક સમયમાં સરકારની મદદ માંગશે.

વોડાફોન ગ્રુપે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘વોડાફોન કેટલાક ભારતીય મીડિયામાં ચાલી રહેલી ખોટી અને પાયાવિહોણી અફવાઓથી વાકેફ છે. પરંતુ વોડાફોને ભારતીય માર્કેટમાંથી બહાર નીકળી જવાનું કોઈ નિર્ણય કર્યો નથી. ભારતીય માર્કેટમાંથી બહાર નીકળી જવાના ન્યૂઝ અંગે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે આ અહેવાલો સાચા નથી અને દૂષિત છે.

વોડાફોને સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી છે જેમાં બં વર્ષના સ્પેક્ટ્રમ ચુકવણીઓ નાબૂદ કરવા, લાયસન્સ ફી અને ટેક્સ ઘટાડવા, સુપ્રીમ કોર્ટના મામલામાં વ્યાજ અને દંડ માફ કરવા જેવી બાબતોનો સમાવેશ છે.