મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન, મોદી કેબિનેટેે આપી બહાલી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ મુલાકાત પહેલા કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો તે સ્પષ્ટ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ મોદી કેબિનેટ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કેબિનેટની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવશે.

રાજ્યપાલભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે. જોકે, આજે સાંજે 8.30 વાગ્યા સુધી એનસીપીને દાવો રજૂ કરવાનો સમય આપ્યો હતો. શિવસેનાએ આ પહેલાં રાજ્યપાલને વધુ સમય આપવાની માંગ કરી હતી પરંતુ રાજ્યપાલે વધુ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો અને એનસીપીને આજે રાત્રે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. પણ સમય મર્યાદા પહેલાં જ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.

આજે સવારે એનસીપીના નેતાઓએ રાજ્યપાલ કોશ્યારીને મળ્યા હતા અને બહુમતિ સાથે દાવો રજૂ કરવા માટે બે દિવસનો સમય આપવા માંગ કરી હતી. પરંતુ રાજ્યપાલે એનસીપીને સમય આપ્યો ન હતો. હાલ તો શિવસેના માટે બાવાના બેઉ બગડ્યા જેવી દશા થઈ છે. શિવસેનાએ કેન્દ્રીય કેબિનેટમાંથી પોતાના મંત્રી અરવિંદ સાવંતનું રાજીનામું અપાવી દીધું હતું અને એનસીપીની શરતને માની હતી અને ભાજપ સાથેનો નાતો તોડ્યો હતો.