મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે વધુ સમય નહીં આપવા સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા માટે સોમવારે સાંજે 7.30 વાગ્યા સુધીની મહેતલ આપી હતી. ગઈકાલે શિવસેનાએ કહ્યું હતું કે સરકારની રચના માટે અને સમર્થન પત્ર હાંસલ કરવા વધુ સમયની જરૂર છે. પરંતુ રાજ્યપાલે વધુ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો એનસીપીને આમંત્રણ દીધું હતું. રાજ્યપાલ દ્વારા સરકારની રચનાને લઈ વધુ સમય આપવાનો ઈન્કાર કરવામાં આવતા શિવસેનાએ સમગ્ર મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આ અંગે આવતીકાલે જસ્ટીસ બોબડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
એનસીપીને આજે સાંજે સાડા આઠ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પણ તે પહેલાં જ એનસીપીએ સવારે 11 વાગ્યા રાજ્યપાલને સરકાર માટે વધુ બે દિવસ આપવાની માંગ કરી હતી. રાજ્યપાલે એનસીપીને પણ વધુ સમય આપવાની ના પાડી દીધી હતી અને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. કેન્દ્રની કેબિનેટે પણ રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપી હતી તેમજ મંજુરી માટે રાષ્ટ્રપતિ કોવિંદ પાસે દરખાસ્ત મોકલી આપી હતી.
શિવસેનાએ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપી અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નવી સરકારને ‘સૈદ્ધાંતિક ટેકો’ આપવા સંમત થયા છે. પરંતુ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ નક્કી કરેલી મુદત પહેલાં સમર્થન પત્રો હાંસલ કરી શકે ન હતી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપે સરકાર બનાવવાનો ઇનકાર કર્યા પછી રાજ્યપાલે બીજા સૌથી મોટા પક્ષ શિવસેનાને આમંત્રણ આપ્યું હતું.
21 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસએ 44 બેઠક પર જીત મેળવી હતી. તેનો અર્થ એ કે જો ત્રણેય પક્ષો સરકાર બનાવવાનું નક્કી કરે છે, તો ગૃહમાં તેમના ધારાસભ્યોની કુલ સંખ્યા 154 હશે જે બહુમતીના આંકડા 145 કરતા વધારે છે.