સુરતને દેવ દિવાળીની ભેટ: CM રૂપાણીએ 1660 હેક્ટર જમીનનાં 201 રિઝર્વેશન હટાવી લીધા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરી વિકાસ સત્તા મંડળ(SUDA) અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સહિતની 1085 ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન(DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો અંગે મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ સુરત મહાનગરના નાગરિકોને દેવ દિવાળીની ભેટ આપતા ત્રણ દાયકા જૂના પ્રશ્નોનું જનહિતમાં નિવારણ કર્યું છે.

તદ્અનુસાર ડી.પી.માં રખાયેલી આશરે 1660 હેકટર જમીનોના 201 જેટલા વિવિધ રિઝર્વેશન પૈકી 30 વર્ષથી વધુ સમયના રિઝર્વેશનની જમીનોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરની હાલની જરૂરિયાત ધ્યાને રાખીને 50 ટકા કપાતના ધોરણે ટી.પી. સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી છુટી કરાશે.

મુખ્યમંત્રી સાથે ગાંધીનગરમાં સુરતના મેયર સહિત મહાનગરના પદાધિકારીઓ, સુરત મ્યુનિસિપલ કમિશનર તથા સુડાના અધિકારીઓએ કરેલા પ્રેઝન્ટેશન અને ચર્ચા વિચારણા બાદ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કે. કૈલાશનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તથા મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજકુમાર દાસ પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીના નિર્ણયના પરિણામે સુરત મહાનગરના વિકાસ માટે જે તે સંસ્થા દ્વારા સંપાદનની કાર્યવાહી શરૂ થઇ હોય તથા સુરત મહાનગરપલિકા દ્વારા ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની કલમ 78 હેઠળ સંપાદનની મંજૂરી મેળવી હોય તે કિસ્સા સિવાયની તમામ જમીનોમાં 50 ટકા કપાત લઇ રિઝર્વેશનમાંથી મુક્ત કરવામાં આવશે.

CM રૂપાણીના સુરત મહાનગર માટેના આ નિર્ણયથી જાહેર સુવિધા માટે રખાયેલી સુડા વિસ્તારની અંદાજે 50 હેકટર અને સુરત મહાનગરપલિકા વિસ્તારની આશરે 390 હેકટર મળીને કુલ 440 હેકટર જમીન રિઝર્વેશનમાંથી મુક્ત થશે.

એટલું જ નહીં અન્ય હેતુઓ અને એજન્સી માટે અનામત રખાયેલી 415 હેકટર જેટલી જમીનો પણ રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવી રિઝર્વેશન મુક્ત જમીનોમાં સત્તા મંડળ દ્વારા 50 ટકાના ધોરણે ટી.પી.સ્કીમ બનાવવામાં આવશે.

સુરત શહેરમાં કુલ મળીને 855 હેકટર જેટલી જમીનો આમ રિઝર્વેશન મુક્ત થવાના કારણે બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને લોકોને સસ્તાદરે આવાસો મળી રહેશે. તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ મળશે.