શિવસેનાને સાથે લઇને સત્તા પર આવવાનું સપનું રોળાઇ ગયા બાદ ભાજપે અંતે સત્તા સ્થાપવા અસમર્થ હોવાનું સ્પષ્ટ કર્યું છે. હવે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે સરકાર સ્થાપવાની ચર્ચા છે ત્યારે ભાજપ હાથ પર હાથ ધરીને બેસી રહે એમ નથી. શિવસેના સાથે સત્તા સ્થાપવા માટેનો ‘પ્લાન એ’ નિષ્ફળ ગયા બાદ હવે ભાજપ ‘પ્લાન બી’ની તૈયારીમાં લાગી ગઇ છે. એ મુજબ ભાજપ સૌ પ્રથમ શિવસેનાને વૈચારિક અને તાત્ત્વિક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે અને તે માટે રામ મંદિર, હિન્દુત્વ, વીર સાવરકર, મહારાષ્ટ્ર ભૂષણ બાબાસાહેબ પુરંદરે વગેરે બાબતે પક્ષમાં રહેલા વૈચારિક મતભેદો પર મીમ્સ અને પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને ટ્રોલ આર્મી સક્રિય કરશે. આ સિવાય ભાજપ દ્વારા કૉંગ્રેસ અને એનસીપી સાથે વરષ્ઠિ સ્તરે સંપર્ક કરીને શિવસેના સાથેની યુતિનું દુષ્પરિણામ શું હશે એ અંગે ચેતવણી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના અખત્યારમાં આવતી તપાસ એજન્સીઓનો ઉપયોગ દબાવ લાવવા માટે કરવામાં એવી, એવી શકયતાને પણ નકારી શકાય નહીં. સૌથી મહત્ત્વનું એટલે ભાજપ ‘ગેમ ઑફ પેશન્સ’ રમશે. શિવસેનાને કૉંગ્રેસ અને એનસીપીનો સાથ ન મળે તો શિવસેના સત્તા સ્થાપી શકશે નહીં. આથી એક મહિના સુધી ભાજપ કેરટેકર સરકાર ચલાવી શકશે. આટલા સમયગાળામાં એકપણ લોકપ્રતિનિધિ વિધાનસભ્યના શપથ લઇ શકશે નહીં. ચૂંટણી જીત્યા બાદ પણ તેમને સર્વસામાન્ય તરીકે રહેવું પડશે. આ પૈકી અનેક જણ ખાસ કરીને શિવસેનાના વિધાનસભ્યોએ લોન લઇને ચૂંટણી લડી છે. તેમના પર પૈસા લગાવનારા ફાઇનાન્સરોએ પૈસાની ઉઘરાણી શરૂ કરી છે. એવામાં વિધાનસભ્યો ફૂટે એની પૂરેપૂરી શકયતા છે. આથી વિધાનસભ્યોને વધુ સમય માટે એકઠા રાખવા શિવસેના સહિત અન્ય પક્ષો માટે કપરું છે. દરયિમાન રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો સૌથી વધુ ફાયદો ભાજપ અને નુકસાન અન્ય પક્ષોને થશે, એવી રાજકીય વર્તુળમાં ચર્ચા છે. આથી રાજ્યમાં ભાજપનો અંત લાવવાના સપના જોઇ રહેલા શિવસેનાને પાઠ ભણાવવા માટે ભાજપ સામ અને દામ બાદ હવે દંડ અને ભેદની નીતિ અપનાવશે.