કોંગ્રેસ-એનસીપી વચ્ચે શિવસેનાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે. એનસીપી કોંગ્રેસને ખો આપી રહી છે, કોંગ્રેસ એનસીપી પર ખો આપી રહી છે. શિવસેના માટે આ સ્થિતિ કપરી બની ગઈ છે. કોંગ્રેસે સીધી રીતે સમર્થન પત્ર આપ્યો નથી. કોંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાને સમર્થન આપવા મામલે કોંગ્રેસને વધુ સમયની જરૂર છે. એનસીપી ચીફ શરદ પવાર સાથે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. રાજ્યપાલે એનસીપીને સરકાર રચવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. એનસીપીના નેતા નવાબ મલીકે કહ્યું કે રાજ્યપાલે અજીત પવારને બોલાવ્યા છે અને હવે અમે સરકાર બનાવવા માટે કોંગ્રેસ સાથે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે.
કોંગ્રેસના ધારાસભ્યો શિવસેના સાથે સરકાર રચવાના મતનાં છે અને રાજસ્થાનના જયપુરના રિસોર્ટમાં રાખવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ મળ્યા હતા અને તમામ ધારાસભ્યોને કહેવાયું હતું કે કોંગ્રેસ પ્રમુખે મહારાષ્ટ્રના ધારાસભ્યોની લાગણી સમજી છે. ત્યાર બાદ રાજસ્થાનના કૃષિ મંત્રીએ પણ કહ્યું હતું કે બધું સારું થશે.
આ દરમિયાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા માટે વધુ સમય આપવાનો ઈન્કાર કરી દીધો છે અને મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન તરફ ધકેલાઈ રહ્યું હોવાનાં સંકેત મળી રહ્યા છે.
એનસીપીની શરતને લઈ શિવસેનાએ પોતાના મંત્રી એવા અરવિંદ સાવંતને કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દેવાનું જણાવ્યું હતું અને અરવિંદ સાવંતે રાજીનામું આપી પણ દીધું છે. પણ એનસીપી અને કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી સમર્થન આપવાની મડાગાંઠને લઈ શિવસેનાની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી બની ગઈ છે. એક રીતે તો હાલના તબક્કે શિવસેના માટે એવું કહી શકાય છે કે બાવાનાં બેઉ બગડ્યા છે.