મહારાષ્ટ્રનો ડખો મોદી મંત્રી મંડળ સુધી પહોંચ્યો, શિવસેનાનાં આ મંત્રીએ આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચેની તકરાર હવે દિલ્હી પહોંચી ગઈ છે. સોમવારે મંત્રી અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી શિવસેનાના ક્વોટાના મંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સાવંતે ટવિટ કરીને તેના વિશે માહિતી આપી હતી.

શિવસેના દ્વારા કરવામાં આવેલી સરકાર રચવાની કવાયતને એનસીપી સાથેનાં જોડાણ તરીકે જોવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં જોડાણ પૂર્વે એનસીપીએ શિવસેના સમક્ષ એનડીએથી અલગ થવાની શરત મૂકી હતી. હવે સવાલ એ છે કે કેન્દ્રમાં મોદીની ટીમથી અલગ થયા પછી શિવસેના પણ એનડીએમાંથી બ્રેકઅપની જાહેરાત કરશે?

અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈના સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના ક્વોટાના પ્રધાન છે. તેમને ભારે ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું હતું, પરંતુ હવે તેઓએ આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાવંતે ટ્વીટ કર્યું હતું કે, ‘શિવસેના સત્યની સાથે છે. આવા ખરાબ વાતાવરણમાં દિલ્હીની સરકારમાં રહેવાનું કોઈ ઔચિત્ય નથી. હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.