મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ટર્ન: શિવસેનાને સરકાર રચવા આમંત્રણ

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ ચાલી રહેલી મડાગાંઠમાં રવિવારે મોડી સાંજે રાજ્યપાલ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપતા મસમોટો ટર્ન આવ્યો છે. સરકાર રચવા માટે ભાજપે અસમર્થતા દર્શાવી હતી.

આ પહેલાં શિવસેના અને ભાજપ વચ્ચેની સત્તાની ખેંચતાણમાં નવો વળાંક આવ્યો. ભાજપે રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ આપેલું સરકાર રચવાનું આમંત્રણ નકારી દઈ શિવસેનાને સરકાર રચવાની શુભેચ્છા આપી હતી. આ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આગામી મુખ્ય મંત્રી શિવસેનાના જ હશે. જોકે, એમણે શિવસેના સરકાર રચવાનો દાવો ક્યારે અને કેવી રીતે રજૂ કરશે એની કોઈ ચોખવટ ન કરી. એમણે કહ્યું કે, શિવસેન પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાંશિવસેનાના જ મુખ્ય મંત્રી હશે એટલે આગામી દિવસોમાં કોઈ પણ સંજોગોમાં શિવસેનાના મુખ્ય મંત્રી પદ હેઠળ સરકાર બનશે.

આ દરમિયાન કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કહ્યું હતું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કોંગ્રેસ-એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે અને બહુમતી માટે 145 સીટ હોવી જરૂરી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસને 44 સીટ મળી છે. ભાજપ-શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. ગઈકાલે રાજ્યપાલે સૌથી મોટો પક્ષ હોવાને નાતે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું.