સુપ્રીમ કોર્ટે કાશી-મથુરા અંગે ખેંચી દીધી લાઈન ઓફ કન્ટ્રોલ, જાણો શું કહ્યું છે ચૂકાદામાં?

અયોધ્યા અંગે ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે પણ વિવાદિત જમીન હિન્દુઓને આપવાનો હુકમ કરીને અને મુસ્લિમ પક્ષ માટે પાંચ એકર જમીન ફાળવીને ભવિષ્ય માટે મોટી લાઈન ખેંચી છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય સાથે  કાશી અને મથુરામાં હાલની પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારના પરિવર્તન માટે અરજીઓના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં પણ ઘણા સમયથી પૂજાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજીસની બંધારણીય બેંચે તેના 1,045 પાનાના ચુકાદામાં, 11 જુલાઈ 1991 ના રોજ અમલમાં મૂકાયેલા પૂજા સ્થાનો (સ્પેશિયલ પ્રોવિઝન) અધિનિયમ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ અધિનિયમમાંથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને બાકાત રાખ્યો હતો. કારણ કે જે તે સમયે અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.કે. અબ્દુલ નઝીરની બેંચે ચુકાદો આપતી વખતે દેશના બિનસાંપ્રદાયિક ઈમેજ વિશે વાત કરી હતી. આ ઉપરાંત, બેંચે દેશની આઝાદી દરમિયાન અસ્તિત્વમાં રહેલા ધાર્મિક સ્થળોની યથાવત સ્થિતિના રક્ષણ પર પણ ભાર મૂક્યો છે.

1991 ના કાયદામાં ધાર્મિક સ્થળો અંગે કોઈપણ વિવાદની નવી અરજીઓ અને કેસોની સુનાવણી પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન એસ.બી. ચવ્હાણના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે. ચવ્હાણે કહ્યું હતું કે આ કાયદો કોઈપણ ધાર્મિક સ્થળે બળજબરીથી ફેરફાર પર પ્રતિબંધ છે. આ સિવાય, આવા જૂના વિવાદો ઉભા કરવાની પણ મંજૂરી નથી, જેને હવે લોકો ભૂલી ગયા છે.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે 1991નો આ કાયદો દેશમાં બંધારણના મૂલ્યોને મજબૂત કરે છે. બેંચે કહ્યું, “દેશે આ કાયદાને લાગુ કરીને બંધારણીય પ્રતિબદ્ધતાને મજબૂત કરવા પહેલ કરી છે અને તમામ ધર્મોને સમાન ગણાવી અને બિનસાંપ્રદાયિકતા જાળવી રાખશે”. કોર્ટે કહ્યું કે, પૂજા સ્થળો કાયદો દેશમાં બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને લાગુ કરવા માટે ભારપૂર્વક બોલે છે. એક રીતે, દેશમાં બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોનું પાલન કરવાની કાયદાકીય જોગવાઈ છે, જે આપણા બંધારણનું મૂળ છે.