મહારાષ્ટ્રનું સસ્પેન્સ: NCPની 12મીએ બેઠક, કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં, શિવસેનાનાં હોટલમાં, ભાજપમાં મેરેથોન બેઠક

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારથી રાજ્યમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. જ્યાં ભાજપ રણનીતિ નક્કી કરવા માટે કોર કમિટીની બેઠક કરી રહ્યો છે. આ સાથે જ શિવસેનાએ કહ્યું છે કે, જો ભાજપ સરકાર બનાવવા તૈયાર નથી, તો શિવસેના આ જવાબદારી લઈ શકે છે. એનસીપીના ચીફ શરદ પવારે 12મી તારીખે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આવતીકાલે ફડણવીસે બહુમતિ પુરવાર કરવાની છે.

તમને જણાવી દઇએ કે શનિવારે સાંજે સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. રાજ્યના વિધાનસભાની મુદત મધ્યરાત્રિએ પૂરા થવાના ચાર કલાક પહેલા રાજ્યપાલે કાર્યકારી મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે તેમનો પક્ષ સરકાર બનાવવામાં સક્ષમ છે કે નહીં. ત્યાર બાદ ફડણવીસને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં બીજો સૌથી મોટો એનપીપી-કોંગ્રેસ જોડાણ પણ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ ટ્વિટ કર્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપી-કોંગ્રેસને આમંત્રણ આપવું જોઇએ કારણ કે તે બીજું સૌથી મોટું ગઠબંધન છે. તેમણે કહ્યું કે ભાજપ-શિવસેનાએ હવે સરકારની રચનાથી ઈન્કાર કરી દીધો છે.

બીજી તરફ એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, જો ભાજપ-શિવસેનાની સરકાર બને તો અમે વિરોધમાં બેસીશું. જો તેઓ સરકાર નહીં બનાવે તો કોંગ્રેસ-એનસીપી વૈકલ્પિક સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અમે 12 નવેમ્બરના રોજ અમારા તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

જ્યારે સંજય રાઉતે ફરી એક વાર કહ્યું કે જો ભાજપ સરકાર બનાવવા તૈયાર નથી, તો શિવસેના આ જવાબદારી લઈ શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મહારાષ્ટ્રની દુશ્મન નથી. કેટલાક પક્ષોમાં કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કર્યું છે કે જો ખાનદાની રઈસ હૈ વો મિઝાજ નરમ રખતે હૈ અપના, તુમ્હારા લહેજા બતા રહા હૈ, તુમ્હારી દૌલત નઈ નઈ હૈ.

આ દરમિયાન હોર્સ ટ્રેડીંગની સંભાવનાને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર કોંગ્રેસના 34 ધારાસભ્યોને પાર્ટી શાસિત રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું – અમારે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનમાં લાવવા પડ્યા છે, કારણ કે ત્યાં મોટા પાયે ખરીદી અને વેચાણનું જોખમ હતું. માત્ર કોંગ્રેસના ધારાસભ્યો જ નહીં, પણ શિવસેનાના ધારાસભ્યોને પણ લોભ લાલચ આપવામાં આવી રહી છે.

શિવસેના પણ ખતરો અનુભવી રહી છે, તેથી તેણે પોતાના ધારાસભ્યોને પણ રિસોર્ટમાં મોકલી આપ્યા છે. ગેહલોતે કહ્યું કે, દરેકને ખબર છે કે ગોવા અને મણિપુરમાં ભાજપે સરકાર કેવી રીતે બનાવી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને આમેર ફોર્ટ અને અન્યને બ્યુના વિસ્તા રિસોર્ટમાં કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપને પૂછ્યું છે કે શું તે સરકાર બનાવવા માટે સક્ષમ છે કે કેમ? તેમણે કહ્યું કે રાજ્યપાલનો નિર્ણય કાયદાકીય કાર્યવાહી અનુસાર છે રાઉતે કહ્યું કે ઓછામાં ઓછું રાજ્યપાલે સરકાર રચવાની સંભાવનાને શોધી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને સૌ પ્રથમ સરકાર બનાવવા માટે દાવેદાર છે. પરંતુ બહુમતી માટે 145 ધારાસભ્યોની જરૂર છે