સુપ્રીમ કોર્ટના ચૂકાદાને માન, પણ સંતોષ નથી: સુન્ની વક્ફ બોર્ડના વકીલ જીલાની

અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર નિર્માણના સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે સુન્ની વકફ બોર્ડે અસંતોષ વ્યક્ત કર્યો છે. ઐતિહાસિક વિવાદ અંગે કોર્ટના ચુકાદા બાદ સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ જીલાનીએ કહ્યું કે તેઓ ચુકાદાને માન આપે છે પરંતુ તેનાથી સંતુષ્ટ નથી. આ રીતે તેમણે સંકેત આપ્યો કે સુન્ની વકફ બોર્ડ ચુકાદા સામે ક્યુરેટીવ પીટીશન અથવા રિવ્યુ પીટીશન દાખલ કરી શકે છે.

ચુકાદા અંગે જીલાનીએ કહ્યું, ‘મસ્જિદ અમૂલ્ય છે. પાંચ એકર એટલે શું? 500 એકર પણ અમને સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું, ‘શરિયત અમને કોઈ બીજાને મસ્જિદ આપવાની મંજુરી આપતી નથી, ભેટ તરીકે પણ નહીં.’ જીલાનીએ કહ્યું, “અમે નિર્ણયનો આદર કરીએ છીએ પરંતુ અમે સંતુષ્ટ નથી.” આગળ શું પગલાં લેવામાં આવશે તે હવે પછી નક્કી કરાશે.

તેમણે કહ્યું કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સાથે ચર્ચા કર્યા પછી આગળના પગલા પર નિર્ણય લેવામાં આવશે. જિલાનીએ જણાવ્યું હતું કે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ રિવ્યુ પીટીશન દાખલ કરવી કે નહીં તે નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ મુસ્લિમ પક્ષના અન્ય વાદી ઇકબાલ અન્સારીએ ચુકાદાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયનો આદર કરે છે. તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરશે નહીં.

જાણવી દઈએ કે સુપ્રીમ કોર્ટે મંદિરના નિર્માણ માટે કેન્દ્રને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મુસ્લિમોને અયોધ્યામાં પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ આપ્યો છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના અધ્યક્ષસ્થાને અને ન્યાયાધીશ એસ.કે. એ. બોબડે, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીરના સભ્યોની પાંચ જજની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો છે. તમામ ન્યાયાધીશોએ સર્વાનુમતે ચુકાદો આપ્યો.