અયોધ્યા કેસ: કોર્ટના ચૂકાદાને લઈ સુન્ની વક્ફ બોર્ડ રિવ્યુ પીટીશન દાખલ નહીં કરે

અયોધ્યા વિવાદ કેસમાં 40 દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવામાં આવશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં પાંચ એકર અલગ જમીન આપવામાં આવે જેથી તે જમીન પર તેઓ મસ્જિદ બનાવી શકે છે. રામ મંદિરના નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે સર્વાનુમતે આ નિર્ણય આપ્યો હતો.

ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડના પ્રમુખ ઝફર ફારૂકીએ કહ્યું કે, બોર્ડ અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે રિવ્યુ પીટીશન દાખલ કરશે નહીં. બોર્ડ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને તેઓએ કહ્યું કે અમે પહેલેથી જ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના કોઈપણ નિર્ણયને હૃદયથી સ્વીકારવામાં આવશે.

ઝફર ફારૂકીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ ભાઈચારો સાથે આ નિર્ણયનો આદર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ મામલામાં સુન્ની વકફ બોર્ડ મહત્વની પાર્ટી છે. જ્યારે ફારૂકીને પૂછવામાં આવ્યું કે ઓવૈસીએ આ નિર્ણયને પડકારવા અને મસ્જિદ માટે પાંચ એકર જમીન ન લેવાનું કહ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે ઓવૈસી કોણ છે, હું તેમને ઓળખતો નથી કે હું ક્યારેય તેમને મળ્યો નથી.

શિયાના મૌલવી મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો નમ્રતાથી આદર કરીએ છીએ. હું ખુદાનો આભાર માનું છું કે મુસ્લિમ સમાજના મોટાભાગના લોકોએ આ નિર્ણય સ્વીકાર્યો અને વિવાદનું સમાધાન થઈ ગયું. ચુકાદા બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડને રિવ્યુ પિટિશન ફાઇલ કરવાનો અધિકાર છે.