તમિલ કવિ અને સંત તિરુવલ્લુવરને ભાજપ દ્વારા ભગવા વસ્ત્રોમાં બતાવવામાં આવ્યા ત્યારે તામિલનાડુની રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે. સુપરસ્ટાર રજનીકાંતે હવે આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા છે. રજનીકાંત, હંમેશાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જોવા મળે છે પણ શુક્રવારે તેમણે કહ્યું કે ભાજપ પણ મને લાંબા સમયથી ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘ભાજપ પણ મને તિરુવલ્લુવરની જેમ કેસરિયા રંગમાં રંગવા માંગે છે, પરંતુ હું તેમના જાળમાં નહીં આવું.
તેમણે કહ્યું કે હું કઈ પાર્ટીમાં જોડાવા માંગુ છું તે હું પોતે જ નક્કી કરીશ. બિનજરૂરી રીતે મને ભગવા રંગમાં રંગશો નહીં. તમને જણાવી દઈએ કે તામિલનાડુમાં 2021માં વિધાનસભાની ચૂંટણીઓ છે. તે પહેલાં જ રજનીકાંતના આ નિવેદનોથી ભાજપની ચિંતા વધી શકે છે.
હકીકતમાં, ગયા અઠવાડિયે બેંગકોકની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ તમિલ કવિ તિરુવલ્લુવર પરના પુસ્તકનું વિમોચન કર્યું હતું. ત્યારબાદ તામિલનાડુ ભાજપે પ્રખ્યાત કવિના ફોટોને ભગવા કપડામાં દર્શાવી ટવિટ કર્યું હતું. ભાજપ અને સ્ટાલિનની આગેવાનીવાળી ડીએમકે વચ્ચેના વિવાદની શરૂઆત આ તસવીરથી થઈ હતી. રજનીકાંતે શુક્રવારે ‘ભગવાકરણ’ સંબંધિત વિવાદમાં પણ કૂદકો લગાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપ મને પણ ભગવામાં રંગવા માંગે છે.
પોતાના ઘરની બહાર મીડિયાને સંબોધન કરતાં, રજનીકાંતે લોકોને અપીલ કરી હતી કે અયોધ્યા વિવાદ પર અદાલત દ્વ્રારા જે પણ નિર્ણય આવે તેનું સન્માન કરે અને શાંતિ જાળવી રાખવામાં આવે. અયોધ્યા કેસ અંગે અંતિમ નિર્ણય 17 નવેમ્બરના કોઈપણ દિવસ પહેલા આવી શકે છે, જેના પર ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના રાજ્યો ઉપરાંત દેશના મોટા શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.