સુરત મહાનગરપાલિકા દ્વારા જૂના ટેનામેન્ટનું રિડેવલપમેન્ટ કરવાનું આયોજન પીપીપી ધોરણે કરવામાં આવી રહ્યું છે. ટેનામેન્ટ તોડી પાડવામાં આવ્યા બાદ લોકોને અન્ય સ્થળે ભાડાના મકાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોનું ભાડું નહીં ચૂકવાતા આજે સુરત મહાનગરપાલિકાની કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો.
રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ ગોટાલાવાડી A-B-C ટેનામેન્ટને પાલિકાએ તોડી પાડયા બાદ દર મહિને ચૂકવાતું ભાડું છેલ્લા બે મહિનાથી ચૂકવવામાં આવી રહ્યું ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. પ્રાઈવેટ પબ્લીક પાર્ટનરશીપ(પીપીપી) યોજના ધોરણે ટેનામેન્ટ તોડ્યા બાદ બિલ્ડર દ્વારા રહીશોને ભાડાના મકાનોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ભાડું બિલ્ડર કે સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવે છે પરંતુ પાછલા બે મહિનાથી ભાડું ચૂકવવામાં નહીં આવતા રહીશોની હાલત કફોડી બની જવા પામી છે. ટેનામેન્ટનું કામ જલ્દી પૂર્ણ કરવા અને ભાડાને લઈ રહીશોએ મોરચો કાઢ્યો હતો.