આખરે ફડણવીસનું રાજીનામું, રાજીનામા બાદ કહ્યું “50-50 ફોર્મ્યુલા પર ક્યારેય ચર્ચા થઈ નથી”

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ફડણવીસ ભાજપના નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા અને સરકારની રચના અંગે અચોક્કસતાની વચ્ચે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મેં ઉદ્ધવ ઠાકરે સાથે ઘણા મુદ્દાઓ પર કામ કર્યું છે, પરંતુ આ વખતે મેં ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો, તેમણે મારી સાથે વાત કરી નહીં. મુખ્યમંત્રી પદ કે 50-50 ટકા ફોર્મ્યુલા અંગે મારી સામે કોઈ ચર્ચા કે નિર્ણય લેવાયો નથી. આ અંગે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરીને પણ પૂછ્યું હતું, પરંતુ તેમણે પણ મુખ્યમંત્રી અંગે કે 5૦-50 ફોર્મ્યુલા અંગેના કોઈપણ નિર્ણયને નકારી દીધો હતો.

ફડણવીસે કહ્યું કે મેં પોતે ઉદ્વવ ઠાકરેને ફોન કર્યો હતો અને વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેની નજીકના લોકો બિનજરૂરી નિવેદનો કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી એક સાથે લડી હતી, તો પછી એનસીપી સાથે કેમ ચર્ચા કરવામાં આવી રહી છે.

ફડણવીસે કહ્યું કે, અઢી-અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ વાયદો કરાયો ન હતો. મારી સાથે આ અંગે કોઈ ચર્ચા કરાઈ ન હતી. ઉદ્વવ ઠાકરેએ સરકાર બનાવવાની વાત કરી હતી. મહારાષ્ટ્રમાં ગઠબંધનને મેન્ડેટ મળ્યું હતું.

ફડણવીસે કહ્યું કે મારા માટે સારા સમાચાર છે કે મારું રાજીનામું સ્વીકારાયું છે. મને મહારાષ્ટ્રની સેવા કરવાની તક મળી. હું મહારાષ્ટ્રના લોકો, પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અમારા તમામ નેતાઓનો આભારી છું. પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાનું નામ લીધા વિના ફડણવીસે હસતાં કહ્યું અને મારા સાથી પક્ષનો ખૂબ ખૂબ આભાર.