મહારાષ્ટ્રમાં નવી સરકાર કેવી રીતે બને? ભાજપે રાજ્યપાલની સલાહ લીધી

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને ચાલી રહેલા રાજકીય વિખવાદની વચ્ચે ભાજપના નેતાઓ રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવવામાં આવશે. ભાજપના પ્રતિનિધિમંડળમાં રહેલા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે તેમણે રાજ્યપાલ સાથે તમામ કાનૂની અને રાજકીય પાસાઓની ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે પાર્ટી નેતૃત્વ જલ્દીથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય લેશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારની આગેવાની હેઠળ ભાજપનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતું. રાજ્યપાલને મળ્યા બાદ ચંદ્રકાંત પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘અમે રાજ્યપાલને સરકાર બનાવવામાં થઈ રહેલા વિલંબ અંગે વાકેફ કર્યા છે. હવે ભાજપનું ટોચનું નેતૃત્વ આ સંદર્ભે આગળની કાર્યવાહીનો નિર્ણય લેશે.

આ અગાઉ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે શિવસેના સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે અને મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ જ રહેશે અને ભાજપ પાસે જ મુખ્યમંત્રી પદ રહેશે.

ભાજપ નેતા સુધીર મુનગંટીવારે ફરી એકવાર કહ્યું છે કે ભાજપ શિવસેનાને સાથે રાખશે. તેમણે કહ્યું, ‘અમે એક સ્થિર અને મજબૂત સરકાર ચલાવવા માંગીએ છીએ. અમે શિવસેના સાથે સરકાર બનાવવા માંગીએ છીએ. ઉદ્ધવ ઠાકરે પોતે પણ અગાઉ કહી ચૂક્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ પોતે શિવ સૈનિક છે. જ્યારે મુનગંટીવારને પૂછવામાં આવ્યું કે શું ભાજપ લઘુમતી સરકાર રચશે તો તેમણે કહ્યું કે અત્યારે આવી કોઈ યોજના નથી.