રૂપાણી સરકારની મહત્વની જાહેરાત: બોજાવાળી જમીનમાં પણ NAની મંજુરી, ચકાસણી સીધી ઓન લાઈન કરાશે

મહેસૂલી સેવાઓને વધુ સઘન અને સુદ્રઢ બનાવવા માટે રૂપાણી સરકારે મહત્વના નિર્ણયો લેવાના શરૂ કર્યા છે. જમીન અેનએ અંગે સરકારે મહત્વના ફેરફારની જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર ઓનલાઇન બિનખેતી પરવાનગી તથા ખેડૂત ખાતેદાર ખરાઇની કાર્યપદ્ધતિમાં સુધારો કર્યો છે. મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે પ્રોવીઝનલ એન.એ.ની જોગવાઈ કરાતા અન્ય વિભાગો પાસેથી મેળવવાની થતી મંજુરીઓની કાર્યવાહીમાં સુગમતા થશે અને સમયની બચત થશે.

તેમણે કહ્યું કે  ખેતીની જમીનમાં બોજા સાથે પણ બિન ખેતી પરવાનગી મળી શકશે. ખેડૂત ખાતેદાર ખરાઈ ઓનલાઈન કરવામાં આવી છે. અરજી અન્ય કચેરીઓએ મોકલવાને બદલે વિગતોને આધારે સીધી ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે હાલમાં ઓનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણા ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવેછે. આ નાણાનુંર્ ઓનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી દ્વારા ખરાઇનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવેછે. આ કાર્યપદ્વતિમાં સુધારો કરાતા અરજદાર ઈન્ટીમેશન લેટરની સાથે એનએની પરવાનગીની પ્રોવિઝનલ મંજુરી અંગેનો પત્ર પણ ઈમેલથી મોકલી આપવામાં આવશે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજુર કરવાની કાર્યવાહી દરમિયાન જરૂરિયાતના કિસ્સામાં અરજદાર ખેડુત ખાતેદાર છે કે કેમ? તે અંગેની ખરાઈ કરવાની રહે છે. આ ખરાઈ ઓફ લાઈન થવાના કારણે તથા કેટલાક કિસ્સામાં એક જિલ્લાનો અરજદાર બીજા જિલ્લામાં આવી પરવાનગી મેળવવા અરજી કરે ત્યારે બીજા જિલ્લાની વિગતો મેળવામાં સમય લાગી જતો હતો. આ કાર્યપદ્વતિમાં સુધારો કરી હવેથી ઓન લાઈન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલી જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હક્કપક્ષકોનો ડેટા વેબ પોર્ટલ પર ઓન લાઈન ઉપલબ્ધ હોવાથી હવેથી અરજદારે દાખલ કરેલી વિગતોની મહેલસૂલી અધિકારઓની વેબ પોર્ટલ પર ઓન લાઈન ચકાસણી કરી શકાશે. ખેડુત ખાતેદાર ખરાઈ કરવામાં ઝડપ આવશે અને વિલંબને ટાળી શકાશે.

બિન ખેતીની કાર્યપદ્વતિમાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે હાલમાં જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તા પ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા, નવી શરતની જમીનમાં ખેતી, બિનખેતી હેતુ માટે પ્રિમિયન ભરવાની પરવાનગી, બિનખેતીની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી કે બેન્કનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી. આ કાર્યપદ્વતિમાં કરવામાં આવેલા સુધારા અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે વાસ્તવમાં આવી પરવાનગીઓ મિલ્કતનું હસ્તાંતરણ થથું ન હોઈ અને માત્ર ઉપયોગનો હેતુ, સત્તા પ્રકાર જ બદલાતો હોવાથી અને અન્ય કોઈ નિયમોનો ભંગ થતો ન હોવાથી જમીન પર સરકારી લેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય તથા મા જમીન પર મંડળી કે બેન્કનો બોજો બાકી હોય તો તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા અંગે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બોજાવાળી જમીનમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલો હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતીની પરવાનગી આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં નાણાકીય સંસ્થાઓનું હિત જળાય તે હેતુથી બોજા સાથેની બિનખેતી, પ્રિમીયમની પરવાનગી મળેલી હોય તો આવી મિલ્કતનું વેચાણ, બક્ષીસ, ભેટ, વસીયત, બાનાખત, ગીરો કે અન્ય કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તબદીલીની નોંધો પ્રમાણિત ન થાય તેની ચોકસાઈ રાખવામાં આવશે, તથા આ અંગેની નોંધ હકપત્રકમાં કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આવા કિસ્સાઓમાં ગા.ન.નં-7/12 પરથી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે અને જો 7/12માં બોજો નોંધાયેલો હોય તો તે પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં તબદીલ થશે. બોજા સાથે આવી પરવાનગી આપવામાં આવે ત્યારે બોજો આપનાર સંસ્થા-બેન્કોને આ હુકમની ઈમેલથી અને લેખિતમાં જાણ કરવામાં આવશે.