અમદાવાદમાં 90 લાખની કારને પોલીસે આ કારણોસર કરી ડિટેઈન, ફટકાર્યો આટલો મોટો દંડ, જાણો વધુ

ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના પાલનને લઈ પોલીસ દ્વારા શરૂઆતમાં રાહત આપવામાં આવ્યા બાદ હવે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવી જ રીતે પોલીસે એક લક્ઝુરિયસ કારને ડિટેઈન કરી હતી અને તેને મસમોટો દંડ પણ ફટકાર્યો હતો.

બુધવારે સાંજે ર ટ્રાફિક ડ્રાઈવ અમદાવાદના પોશ ગણાતા વિસ્‍તાર સિંધુભવનમાં યોજવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઈવમાં સંખ્યાબંધ ટુ-વ્‍હીલર્સ અને ફોર વ્‍હીલર્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ડ્રાઈવ દરમિયાન પોલીસે વૈભવી કારને પણ ડિટેઈન કરી હતી. સિંધુભવન રોડ પર અમદાવાદ ટ્રાફિક પોલીસે વૈભવી કાર ફોર્ડ મસ્ટાંગ રો કારને અટકાવી હતી.

કારની ચકાસણી કરાતા માલૂમ પડ્‍યું હતું કે કારચાલક પાસે નિયમ પ્રમાણેના ડોક્‍યુમેન્‍ટ્‍સ્‌ મળી આવ્યા ન હતા. આ ઉપરાંત કારની નંબર પ્‍લેટ પણ ન હતી. આ કારણોસર ટ્રાફિક પોલીસે કારને ડિટેઈન કરી હતી. ન્‍યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે કારચાલકને 30 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્‍યો હતો. કારની કિંમત 90 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

ટ્રાફિક વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના પોશ વિસ્‍તાર સિંધુભવન પર ટુ વ્‍હીલર્સ ચાલકો હેલ્‍મેટ ન પહેરવા માટે દંડાયા હતા તો કેટલાકને લાયસન્‍સ અને પીયૂસી ન હોય તેમને પણ આકરો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત અનેક વૈભવી કારચાલકો પણ અપૂરતા ડોક્‍યુમેન્‍ટ્‍સના કારણે તેમજ સીટ બેલ્‍ટ ન પહેરવા માટે દંડાયા હતા.