અને 13 વર્ષની દિકરીએ પાલક માતા-પિતા સાથે રહેવાનો નિર્ણય કર્યો, વાંચો સુરતનો લાગણીભીનો કિસ્સો

ઓસ્‍ટ્રેલિયામાં રહેતા ભારતીય દંપતિ માટે આંચકાજનક ઘટના એ બની કે ત્રણ વર્ષથી જે દિકરી માટે કાયદાની લડત કરવામાં આવી રહી હતી તે દિકરીએ દંપિતની સાથે રહેવાનો ધરાર ઈન્કાર કરી દીધો. તેર વર્ષની દિકરીએ પોતાના બાયોલોજિકલ પેરેન્‍ટ્‍સ સાથે રહેવાને બદલે પાલક માતા-પિતા સાથે જ રહેવાનો નિર્ણય કર્યો. આ સમગ્ર કેસ સુરતની ફેમિલી કોર્ટમાં ચાલ્યો હતો.

વિગત એવી છે કે સુરતમાં મુર્તુઝા ગીલીટવાલા અને તેમની પત્‍ની ફાતિમા સાથે 6 મહિનાની હતી ત્‍યારથી દિકરી રહે છે. તેમને કોઈ સંતાન ન હોવાથી શબ્‍બીર બાદશાહ અને નસીમ ગીલીટવાલા દંપતિને પોતાની દીકરી દત્તક આપી હતી. છોકરી બાદશાહ અને નસીમની ત્રીજી દીકરી હતી. 2006માં નાસિક રહેતા હતા અને બાદમાં ઓસ્‍ટ્રેલિયામાં સ્‍થાયી થયા. બાદશાહે દીકરીની કાયમી કસ્‍ટડી લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી.

ગીલીટવાલા દંપતિના વકિલ ધવલ દલાલે જણાવ્‍યું કે, કોર્ટે મહત્‍વની બાબતો પર વિચાર કર્યો. જે મુજબ જો છોકરી પોતાને કોની સાથે રહેવું છે તેનો નિર્ણય લેવામાં સક્ષમ હોય તેને પોતાના મા-બાપ પસંદ કરવોનો હક છે. કોર્ટમાં છોકરીએ પોતાના બાયોલોજિકલ મા-બાપ સાથે રહેવાનો ઈનકાર કર્યો હતો. આથી તેની કસ્‍ટડી પાલક માતા ફાતિમાને સોંપાઈ છે. જોકે કોર્ટે બાદશાહ દંપતિને છોકરી સાથે સમયસર મળવા, ફોન પર વાત કરવા અને વેકેશન દરમિયાન સાથે સમય પસાર કરવાની અનુમતિ આપી છે.

બાદશાહના વકીલ નેહલ મહેતાએ કહ્યું કે, ગીલીટવાલા દંપતિ અલગ થઈ ગયું છે તેવી અમારી અરજીને નકારી દેવામાં આવી છે. અમે હવે આ ચૂકાદાને હાઈ કોર્ટમાં પડકારીશું. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2016માં બાદશાહ દંપતિએ ગીલીટવાલા દંપતિ વિરુદ્ધ ગેરકાયદે રીતે દીકરીના બર્થ સર્ટિફિકેટમાં બાયોલોજિકલ પેરેન્‍ટ્‍સ હોવાનું નામ ઉમેરાવ્‍યું હોવાનો આરોપ મૂકી અઠવા લાઈન્‍સ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ હતો કે ગીલીટવાલા દંપતિએ નકલી ડોક્‍યુમેન્‍ટ્‍સ ઊભા કરીને સુરત મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાંથી તેમની દીકરીનું બર્થ સર્ટિફિકેટ કઢાવ્‍યું. આ સર્ટિફિકેટની મદદથી સુરતની સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યું અને પાસપોર્ટ સહિતના ડોક્‍યુમેન્‍ટ્‍સ બનાવડાવ્‍યા હતા.