14 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરાના કરોડપતિ તેલ વેપારીનો પુત્ર દ્વારકેશ ઠક્કર વસાદની એન્જિનિયરિંગ કોલેજ માટે ઘરેથી નીકળ્યો હતો. તેના પરિવારને તેની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નહોતું. પરંતુ જ્યારે તે કોલેજથી ઘરે પરત ન આવ્યો ત્યારે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસને તપાસ દરમિયાન બે કડી મળી. પહેલું વડોદરા રેલ્વે સ્ટેશનનું સીસીટીવી ફૂટેજ અને બીજું એક ઓટોરિક્ષા ચાલક છે જેણે દ્વારકેશને ડ્રોપ કર્યો હતો.
પોલીસ તપાસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી, તે દરમિયાન શિમલાની એક હોટલ મેનેજરના ફોન કોલે કેસને નવો વળાંક આપ્યો હતો. હોટલ મેનેજરે કહ્યું કે 19 વર્ષીય યુવાન તેની હોટલમાં વાસણ ધોવાનું કામ કરી રહ્યો છે. ખરેખર દ્વારકેશને ભણવામાં રસ નહોતો પરંતુ કુટુંબ સમક્ષ તેની ક્ષમતા સાબિત કરવા માંગતો હતો. આને કારણે તેણે એક એવો રસ્તો પસંદ કર્યો જેની કલ્પના પણ પોલીસે કરી ન હતી. ઘરેથી કોલેજ છોડવાની વાત કરતાં તે શિમલા જતો રહ્યો અને અહીંની હોટલમાં નોકરી કરવા લાગ્યો હતો.
ઈન્સ્પેક્ટર એસ.એ. કરમુર કહે છે કે દ્વારકેશના ઓળખપત્રો જોયા પછી મેનેજરે પાદરા પોલીસ સ્ટેશનને તેના બેકગ્રાઉન્ડ તપાસવા માટે ફોન કર્યો હતો અને અહીંથી જ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મેનેજરે દ્વારકેશનો ફોટો પોલીસકર્મીઓને મોકલી આપ્યો. પોલીસે આની ચકાસણી કરી અને ઇન્સ્પેક્ટર કરામૂરે બે કોન્સ્ટેબલ સંજયસિંહ ગોહિલ અને ભૂપેન્દ્રસિંહ મહિડાનો સંપર્ક કર્યો. બંને કોન્સ્ટેબલ શિમલામાં રજા ગાળી રહ્યા હતા. આ પછી, બંને તાત્કાલિક હોટલમાં પહોંચ્યા પરંતુ દ્વારકેશ ત્યાં મળ્યો ન હતો.
કોન્સ્ટેબલ ગોહિલ કહે છે, “મેનેજરે અમને કહ્યું કે એક યુવાન હાઈવે પર ફૂડ શોપ અને ફૂડ સ્ટોલ્સ પર કામ કરે છે. આ પછી અમે આવા તમામ દુકાનદારોનો સંપર્ક કર્યો અને દ્વારકેશની તસવીર શેર કરી.
સોમવારે એક ટેક્સી ડ્રાઈવરે ગોહિલને ફોન કર્યો હતો અને તેને જાણ કરી હતી કે એક છોકરો રસ્તાની બાજુમાં સૂઈ રહ્યો છે. આ પછી પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અંતે દ્વારકેશ મળી આવ્યો હતો. પોલીસે પરિવારને દ્વારકેશ વિશે જાણ કરી હતી, ત્યારબાદ ફ્લાઇટમાં પરિવારના સભ્યો શિમલા પહોંચ્યા હતા અને દ્વારકેશને ઘરે પરત લઈ આવ્યા હતા.