મહા વાવાઝોડા દરમિયાન વીજ સપ્લાયને લઈ ઉર્જા મંત્રી સૌરભ પટેલની મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું

ગુજરાતના દરિયા કાંઠે આગામી સાતમી નવેમ્બરે સવારે દીવ-પોરબંદરની વચ્ચે ’મહા’ વાવાઝોડુ ટકરાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું ટકરાય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યના દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાશે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ કરાશે અને તેને પુનઃ કાર્યરત કરવા ટીમો તૈયાર કરી દેવાઈ છે.

તેમણે કહ્યું કે ’ અમારો પ્રાથમિકતા જીવનની સુરક્ષા છે. એવી સ્થિતિ સર્જાશે ત્યારે સબસ્ટેશન બંધ કરીશું. જો ભારે વરસાદ પડે અને પાણી ભરાય તો તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાશે. વાવાઝોડાની સંપૂર્ણ વિગત ઉર્જા વિભાગ દરેક વિગત લઈને દરેક સર્કલમાં આ વિગતો મોકલી આપાવમાં આવે છે. અમે દરેક સર્કલમાં કંટ્રોલ રૂમ ખોલી દીધો છે.અમે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. ટીમોએ ક્યાં જવું અને કેવી રીતે જવું તેની તૈયારી થઈ ગઈ છે.

સૌરભ પટેલે જણાવ્યું કે અમારી ટીમો વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા માટે જરૂરી સાધન સામગ્રી તૈયાર કરી દીધી છે. અમે થાંભલાઓ, કંડ્‌કટરો સાથે ઘણી સામગ્રી તૈયાર રાખી છે. અમે હવામાન વિભાગના ઇનપુટના આધારે તૈયારીઓ કરી છે. જ્યાં વરસાદ ખૂબ જ પડશે કે જીવનની સુરક્ષાનો વિષય છે ત્યાં સબસ્ટેશન બંધ કરીશું.વાવાઝોડું ’મહા’ ગુજરાત તરફ ફંટાઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાતમી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે ’વાવાઝોડું પોરબંદરથી 660 કિલોમીટર દૂર છે. વેરાવળથી 720 કિલોમીટર અને દીવથી 770 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નજીક આવશે ત્યારે નબળું પડશે. અમારા અનુમાન મુજબ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિલોમીટરની ઝડપે ટકરાશે. ’