મહા વાવાઝોડાને લઈ આવ્યા રાહતના સમાચાર: વાવાઝોડું નબળું અથવા ફિઝલ આઉટ થઈ શકે છે

સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે મહા વાવાઝોડાએ ગઈરાતથી ગુજરાત તરફની દિશા પકડી છે. તદુપરાંત, આજે સવાર સુધી અતિ તીવ્ર  બનેલા મહાની તીવ્રતામાં ઘટાડો થયો છે અને તે પોરબંદરના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 400 કિ.મી અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને વેરાવળથી 44૦ કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને દીવથી 490 કિ.મી. પશ્ચિમ દિશામાં આવેલું છે.

મહા વાવાઝોડું ગુજરાતના કાંઠા સુધી પહોંચતા વધુ નબળું પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાં લેન્ડફોલ કરતાં પહેલા જ મહા વાવાઝોડું વિખેરાઈ જાય એટલે ફિઝલ આઉટ થઈ જાય તેવી પણ સંભાવના રહેલી છે.

આપણે ફોટોમાં જોઈએ છે તેમ મહા વાવાઝોડું હાલ તીવ્ર સાયક્લનિક સિસ્ટમ(SCS)માં છે ત્યાર બાદ સાયક્લોનિક સિસ્ટમ(CS) થોડી નબળી પડશે અને ત્યાર બાદ ડીપ ડિપ્રેશન(DD) અને કાંઠે પહોંચતા સુધી ડીપ્રેશન(D)નું રૂપ લેશે.

જોકે, ગુજરાતના દરિયાકાંઠેથી ચક્રવાતનો ખતરો સંપૂર્ણપણે નકારી શકાય નહીં કારણ કે આવતીકાલે બપોર સુધીમાં સિસ્ટમ દક્ષિણ ગુજરાતના કાંઠે નજીક આવશે. પવનની ગતિ આશરે 40-50 કિ.મી. જેટલી હશે અને 60-70 સુધી જવાની પણ શક્યતા છે.

વાવાઝોડાના કારણે દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, વેરાવળ, અમરેલી, ભાવનગર, સુરત અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિત ગુજરાતના ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

સ્કાયમેટ હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ,  મહા વાવાઝોડાની તીવ્રતા આવનારા 12 કલાક સુધી અકબંધ રહેશે અને ત્યારબાદ સિસ્ટમ ધીમે-ધીમે નબળી પડી શકે તેવી સંભાવના છે. મહા વાવાઝોડું આગામી 12 કલાક દરમિયાન ઉત્તર દિશા તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તેની ગતિ વધશે અને પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં ઝડપથી આગળ વધવાનું શરૂ કરશે.