સીબીઆઈનું અમદાવાદ, સુરત અને ભાવનગરમાં મેગા સર્ચ ઓપરેશન

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન(સીબીઆઈ) દ્વારા મંગળવારે અલગ અલગ રાજ્યોના અંદાજે 187 સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. બેન્ક ફ્રોડના 42 કેસોના અનુસંધાને સીબીઆઈ દ્વારા 7200 કરોડની તપાસ કરવામાં આવી રહી છે. સર્ચ હજુ પણ ચાલી રહ્યું હોવાનું ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.

આ સર્ચ ઓપરેશનમાં દાદરાનગર હવેલી, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામીલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં બેન્ક સંબંધિત છેતરપિંડીના કેસોની તપાસ કરવામાં આવી રહી છે.

કોન્સર્ટોરિયમ સહિત આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, અલ્હાબાદ બેન્ક, કેનેરા બેન્ક, દેના બેન્ક, પંજબાર અને સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, યુનિચન બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને બેન્ક ઓફ ઈન્ડીયામાં સર્ચ કરવામાં આવી રહ્યું છે,

જે શહેરોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે તેમાં દિલ્હી, ચંદીગઢ, લુધિયાણા, દેહરાદુન, નોઈડા, બારામતી, મુંબઈ, થાણે, સેલવાસ, કલ્યાણ, અમૃતસર, ફરીદાબાદ, બેંગ્લુરુ, ત્રિપુરા, ચેન્નઈ, મદુરાઈ, ક્યુલીન, કોચીન, ભાવનગર, સુરત, અમદાવાદ, કાનપુર, ગાઝીયાબાદ, વારાણસી, ચંડૌલી, ભટીંડા, ગુરુદાસપુર, મોરેના, કોલકાતા, પટના, ક્રિષ્ના, હૈદ્રાબાદ અને ભોપાલનો સમાવેશ થાય છે.
42 કેસ પૈકી ચાર કેસમાં અંદાજે એક હજાર કરોડ અને 11 કેસમાં અંદાજે 100થી 1000 કરોડ કરતાં વધુનું બેન્ક ફ્રોડ કરવામાં આવ્યું છે, એવું સીબીઆઈના સ્ટેટમેન્ટમાં જણાવાયું છે.

સર્ચ ઓપરેશનમાં મલાડ(ઈસ્ટ), મુંબઈ, ભોપાલની પ્રાઈવેટ કંપની ડિરેક્ટર્સ દ્વારા 6 હજાર કરોડનો લાભ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે મેળવ્યો હોવાના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે.