મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ પખવાડિયાથી ચાલી રહેલા ઘમાસાણમાં બુધવારે નવો વળાંક આવ્યો છે. ભાજપ અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત દરમિયાન મતભેદોને દુર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. શિવસેનાએ સીએમ પદને લઈ મમત છોડી દીધી હોવાની માહિતી મળી રહી છે. ભાજપ-શિવસેનાના નેતાઓની બેઠક બાદ ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર બનવાની છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ગુરુવારે રાજ્યપાલને મળશે.
બેઠકના અંત પછી મુનગંટીવારે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ મહાગઠબંધનને આદેશ આપ્યો છે. ભાજપ-શિવસેના-આરપીઆઈ અને સાથી પક્ષોના નામે મત માંગવામાં આવ્યા હતા. લોકોએ મહાયુતિને મત સ્વરૂપે આશીર્વાદ આપ્યા છે. સરકાર બનશે ગઠબંધનની જ બનશે. તેમણે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ ગુરુવારે સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે.
નોંધપાત્ર વાત એ છે કે, ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી પદને લઈને બંને પક્ષો વચ્ચે થયેલો વિખવાદ પછી મોટા નેતાઓની આ પહેલી બેઠક છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિવસેના વિધાનસભા પક્ષના નેતા એકનાથ શિંદે અને વરિષ્ઠ નેતા રામદાસ કદમ સહિત શિવસેનાનાં 6 પ્રધાનો જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયાના અંત સુધીમાં રાજ્યમાં સરકારની રચના કરવામાં આવશે.