PM મોદીએ મહા વાવાઝોડા અંગે કરી રિવ્યુ મીટીંગ, તંત્રને સાવધ રહેવા આદેશ

અરબી સમુદ્રમાંથી સર્જાયેલા તીવ્ર ચક્રવાત ‘મહા’ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. તેની અસર આજથી હળવા પવન અને હળવા વરસાદ સાથે દેખાવા માંડી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાત ‘મહા’ ગુજરાતના પોરબંદર અને દીવ વચ્ચેના દરિયાકાંઠે 6ની રાત્રે અથવા 7 નવેમ્બરની સવારે અથડાય તેવી સંભાવના છે.

મહા વાવાઝોડાના કારણે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે. ભારે પવન સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે ચક્રવાત મહાની પરિસ્થિતિ અને સજ્જતાની જાણકારી લેવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

‘મહા’ નામના ચક્રવાતને પહોંચી વળવા એનડીઆરએફની 15 ટીમો તૈનાત છે. આ ઉપરાંત વધારાની 15 ટીમોને પણ ખડેપગે કરવામાં આવી છે. ચક્રવાત મહાના ખતરાને લઈ નેવી પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. વેસ્ટર્ન નવલ કમાન્ડના જહાજો રાહત પુરવઠા સાથે રાહત કાર્ય માટે તૈયાર છે. ગુજરાત નવલ એરિયાના નેવલ યુનિટ્સ પણ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો સાથે સ્ટેન્ડબાય પર છે.

દરિયામાં માછીમારી કરવા ગયેલી નૌકાઓ પણ પરત લાવવામાં આવી રહી છે. આ સમયે કુલ 1,2600 બોટ સમુદ્રમાં ગઈ હતી, જેમાંથી ફક્ત 600 બોટ પરત લાવવાની બાકી છે. આ સિવાય માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

વર્ષ 1965 પછી એટલે કે 54 વર્ષ પછી પ્રથમ વખત આ બીજું ચક્રવાત તોફાન (પ્રથમ ક્યાર અને હવે મહા) લગભગ 10 દિવસના અંતરાલમાં અરબી સમુદ્રમાં તીવ્ર સ્વરૂપ લેવાનું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રને એક અઠવાડિયા પછી બીજી વખત ચક્રવાત તોફાનનો સામનો કરવો પડશે. આ વર્ષે 2019 માં અરબી સમુદ્ર ચાર ચક્રવાતી તોફાનોનું કેન્દ્ર રહ્યું છે અને તેણે હવામાન શાસ્ત્રીઓને પણ આશ્ચર્યચકિત કર્યા છે. હવામાનશાસ્ત્રીઓ તેની પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ હોવાનું જણાવી રહ્યાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વાવાઝોડા મહાના ખતરાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અને પીએમ મોદીના મુખ્ય સલાહકાર પણ હાજર હતા.