ઈન્ડીયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) ના અંદાજ મુજબ ચક્રવાત ‘મહા’ ફરી પાછો આવી શકે છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ચક્રવાત ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તે ખૂબ જ ખતરનાક તોફાનનું રૂપ લઈ શકે છે. મળતી માહિતી મુજબ, ચક્રવાત પરત ફરવાના કારણે ભારે પવન તેમજ ભારે વરસાદ પડી શકે છે.
IMD તરફથી જણાવવામાં આવ્યું છે કે મહા વાવાઝોડું હવે સાતમી નવેમ્બરના રોજ ગુજરાત કાંઠા પર ત્રાટકશે. સૌથી વધુ અસર દ્વારકા અને દીવ વચ્ચેના દરિયાકાંઠે થશે, જ્યાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકના પવન ફૂંકાશે. ભારે પવન સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ‘મહા’ વાવાઝોડું અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગથી પશ્ચિમ તરફ આગળ વધ્યો છે. મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી આશરે 550 કિમીના અંતરે પહોંચી ગયો છે. ગુજરાતના દરિયાકાંઠા તરફ જતા આ વાવાઝોડાની તીવ્રતા પણ પહેલા કરતા નોંધપાત્ર વધી છે અને તે વધુ વિનાશક સ્વરૂપ લેવાની પણ અપેક્ષા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ગુજરાતના કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નિષ્ણાંતોના મતે, આ સંભવિત કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થઈ શકે છે.
સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું સાતમી નવેમ્બરે પોરબંદર અને દિવની વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. જ્યારે ગુજરાતના દરિયા કાંઠા પર તેની અસર પાંચમીથી જોવા મળવાની છે. દરિયામાં 12થી 15 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાગ ભાવનગર, બોટાદ, નડિયાદ, ભરૂચ, વડોદરા, સુરત, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા અને દાહોદ જેવા જિલ્લાઓ તેની ઝપટમાં આવી શકે છે. મધ્યપ્રદેશના પણ કેટલાક વિસ્તારો આ શકે છે.