મહા વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે અને ગુજરાતના વેરાવળથી 670 કિ.મી. દૂર છે. વાવાઝોડાના સંભવિત જોખમને પગલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું દરિયામાં દીવથી 710 કિ.મી દૂર છે જ્યારે પોરબંદરથી 650 કિમી. દૂર છે.
આગામી 6 નવેમ્બરે રાત્રે વાવાઝોડું પોબંદરથી દીવની વચ્ચે ગુજરાતમાંથી પસાર થાય તેવી હવામાન વિભાગની વકી છે.વાવાઝોડાના જોખમને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને મધદરિયેથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. સંભવિત જોખમને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સાબદું કરાયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને અને મંત્રીઓને સંભવિત નુકસાનીના જિલ્લાઓમાં પહોંચી કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ આપ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત જણાય લોકોનું સ્થળાંતર કરવાની પણ યોજના છે.વાવાઝોડું દરિયામાં વેરાવથી પશ્વિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સક્રિય છે. હવામાન વિભાગની આગાહી મુજબઆ વાવાઝોડું હાલમાં અતિગંભીર સ્વરૂપે પહોંચ્યું છે. આવતીકાલે પાંચમી નવેમ્બરથી વાવાઝોડું ફંટાશે અને તે પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે.પાંચમી નવેમ્બરથી આગળ વધતું વાવાઝોડું હાલની આગાહી મુજબ દીવ- પોરબંદરની વચ્ચેથી 100 કિ.મી ઝડપે પસાર થશે.
ગુજરાતના કાંઠેથી 6 નવેમ્બર રાત્રે વાવાઝોડું પસાર થાય તેવી વકી છે. ગુજરાત સરકારનાં મહેસૂલ ખાતાનાં રાહત કમિશનર દ્વારા તમામ જિલ્લા કલેકટરને લેખિતમાં આદેશ કરાયો છે. જેમાં ઊભી થનારી કુદરતી આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. જે વિસ્તારોમાં મહત્તમ અસર થવાની છે ત્યાં એનડીઆરએફની ટીમને મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 300થી વધુ બોટને પરત લાવી દેવામાં આવી છે. આમ, અરબી સમુદ્રમાં થયેલું ’મહા’ વાવાઝોડું ’મહા’ વિનાશ વેરે એવી દહેશત સેવાઇ રહી છે.વાવાઝોડું જ્યારે રાજ્યના કાંઠે ટકરાશે અથવા તો પસાર થશે તે વખતે સમગ્ર 33 જિલ્લામાં ભાર વરસાદ વરસે તેવી પણ સંભાવના છે.