ફડણવીસે કરી અમિત શાહ સાથે મુલાકાત, કહ્યું “મહારાષ્ટ્રમાં જલ્દી બનશે નવી સરકાર”

મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાનો મામલો હવે દિલ્હી પહોંચ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે, મુલાકાત દરમિયાન ખેડુત લક્ષી નીતિને લઈ ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં જલ્દીથી નવી સરકારની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોણ શું કહે છે તે હું કહી શકું એમ નથી. નવી સરકાર માટે કોણ શું કહે છે તેના પર કશી ટીપ્પણી કરવાને કોઈ અવકાશ નથી. બસ એટલું જ કહી શકું છું કે મહારાષ્ટ્રમાં જલ્દીથી નવી સરકાર બનશે અને તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

સરકાર રચનાનાં ગૂંચવાયેલા કોકડાં વચ્ચે વિરોધાભાસી નિવેદનોને પગલે રહસ્ય વધુ ઘેરાયું છે. અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની જીદ પકડી બેઠેલા શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે ભાજપ વિના સરકાર બનાવવા અન્ય વિકલ્પો અજમાવવાનો સંકેત આપતાં દાવો કર્યો હતો કે, શિવસેના પાસે 170થી 17પ જેટલા વિધાયકોનું સમર્થન છે. તો બીજીબાજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધરપત સાથે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ સરકાર રચાઈ જશે અને શિવસેના સાથે જોડાણથી જ સરકાર બનશે.

શિવસેનાનાં સંજય રાઉતે કહ્યું હતું કે, હજી પણ ભાજપ સાથે મઠાગાંઠ યથાવત છે. સરકાર રચના વિશે હજી કોઈ વાટાઘાટ થઈ જ નથી. જો વાતચીત થશે તો એ પણ મુખ્યમંત્રી પદ માટે જ હશે. શિવસેના પાસે 170થી વધુ ધારાસભ્યોનાં સમર્થન છે. આ આંકડો 17પ સુધી પહોંચી જાય તેમ છે. આ પહેલા શિવસેનાનાં મુખપત્ર સામનામાં પણ રાઉતે એક લેખનાં માધ્યમથી ભાજપ ઉપર ધગધગતો હુમલો બોલાવ્યો હતો અને લખ્યું હતું કે, ભાજપને 10પ બેઠકો મળેલી છે. જો શિવસેના તેની સાથે ન હોત તો આ સંખ્યા 7પથી પણ વધી ન હોત.

ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે, સરકાર રચના માટે જે કંઈપણ થવાનું છે તે જલ્દી સામે આવી જશે. બીજીબાજુ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે, શિવસેના સાથેનાં મતભેદો જલ્દી ઉકેલાઈ જશે અને સરકાર પણ રચાઈ જશે.’ તો બીજી તરફ એનસીપીનાં નેતા અજીત પવારે પણ કહ્યું છે કે, તેમની પાસે શિવસેનાનાં નેતા સંજય રાઉતનો સંદેશો આવ્યો છે. ચૂંટણી પછી પહેલીવાર તેમનાં તરફથી આ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને ફોન કરીને વાતચીત કરવામાં આવશે. તો એનસીપીનાં પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, જો શિવસેના કોઈ પ્રસ્તાવ આપશે તો પક્ષનાં વડા શરદ પવાર તે બારામાં હરાત્મક વિચાર કરશે.