ભાજપના નેતાએ કર્યો ઘટસ્ફોટ: ભાજપ-શિવસેના સમાધાન આખરી તબક્કામાં? બે દિવસમાં બનશે સરકાર?

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે પડદા પાછળ વાત ચાલી રહી છે. ANI ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આગામી કેટલાક દિવસોમાં નિર્ણાયક સ્થિતિમાં મંત્રણા પહોંચી જશે. ભાજપના સૂત્રોને ટાંકીને ANIએ આ માહિતી આપી છે. ઉપરાંત, દેવેન્દ્ર ફડણવીસ સાથે 12 થી 14 મંત્રી સાથે પદની ગોપનીયતાના શપથ લેશે, એમ ANIએ જણાવ્યું હતું.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે આગામી બે-ત્રણ દિવસમાં શિવસેના સાથે મળીને ભાજપ સરકાર બનાવશે. ભાજપ અને શિવસેનાની વાતચીત બે દિવસમાં સમાપ્ત થઈ જશે. ચર્ચા યોગ્ય દિશામાં જઈ રહી છે, ભાજપના વરિષ્ઠ નેતાઓ મંગળવારે મુંબઇમાં ફોર્મ્યુલાને અંતિમ ઓપ આપવા માટે બેઠક કરી રહ્યા છે.  ભાજપ શિવસેના સાથે વાતચીત કરી રહ્યો છે, કોઈ વિવાદ નથી. આગામી 3 થી 4 દિવસમાં મહાયુતિ સરકાર અસ્તિત્વમાં આવશે, એમ દાનવેએ જણાવ્યું હતું.

બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં છે. ફડણવીસે આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ મોડીરાત્રે મુખ્યમંત્રી ફડણવીસે મહત્વની બેઠકનું બોલાવી છે. આવતીકાલ બપોર સુધીમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.

બીજી તરફ એનસીપી ચીફ શરદ પવાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળ્યા હતા. પણ બન્ને નેતાઓએ મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.