મહા વાવાઝોડાને લઈ સુરત માટે એડવાઈઝરી: જાણો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો મંડારાઈ રહ્યો છે. દીવ અને પોરબંદરની વચ્ચે વાવાઝોડું લેન્ડ ફોલ કરે એવી શક્યતા છે. ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત સહિત પોરબંદર, સોમનાથ, વેરાવળ, પોરબંદર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

સુરત શહેરના લોકોને હવામાન ખાતાએ એડવાઈઝ આપી છે કે 6થી 8 નવેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર થવાની આગાહી કરવામાં આવી છે. આ દવિસો દરમિયાન 60થી 90 કિમી કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે આ દિવસો દરમિયાન સાવચેંતીના ભાગરૂપે જર્જરિત મકાનો, નમી કે પડી જાય તેવા વૃક્ષો, હોર્ડિંગ્ઝ, લાઈટના થાંભલા વગેરે માધ્યમો કે સ્ટ્રકચરોથી નાગરિકોને દુર રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. 6 નવેમ્બરથી લઈ 7 નવેમ્બરની મોડી રાત સુધી સાવચેતીના કારણોસર લોકોએ ઘરની બહાર અનિવાર્ય સંજોગો સિવાય ન નીકળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.