વિધાનસભાના પરિણામોમાં જીત મેળવ્યાને આજે 10 દિવસ થઈ ગયા છે પણ મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મામલે ભારે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના દ્વારા ભાજપને શરતોના સરકારમાં સામેલ થવા અંગે લેખિતમાં ખાતરીની વાત કરવામાં આવતા ભારે સસ્પેન્સ ચાલી રહ્યું છે. શિવસેના અને ભાજપની વચ્ચેની રેસમાં એનસીપી અને કોંગ્રેસ પણ કૂદ્યા છે અને હવે શિવસેનાનાં નેતા સંજય રાઉતે મોટો ધડાકો કરતા કહ્યું છે કે શિવસેનાની પાસે 175 ધારાસભ્યોનું સમર્થન છે.
એક તરફ ભાજપે વિધાનસભા પરિસરમાં તાજપોશીની તૈયારી કરી લીધી છે અને શિવસેના વિના પણ કેવી રીતે સરકાર બનાવી શકાય છે તેના પર સતત લાઈન ઓફ એક્શન નક્કી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને ચાલી રહેલી મથામણ પર રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, હજી ગતિરોધ યથાવત છે. સરકાર રચવાને લઈને કોઈ જ વાતચીત થઈ નથી. જો વાતચીત થશે તો માત્ર મુખ્યમંત્રી પદને લઈને જ થશે.
સાથે જ તેમણે ધડાકો કરતા કહ્યું હતું કે, શિવસેનાને સમર્થન આપનારા ધારાસભ્યોની સંખ્યા વધીને 175 સુધી થઈ શકે છે. શિવસેના નેતાએ વ્યંગ કરતા કહ્યું હતું કે, ભલે ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે રેસકોર્સ અને વાનખેડે સ્ટેડિયમ બુક કરે, પરંતુ આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ રહેશે.
સંજય રાઉતે શરદ પવાર સાથે થયેલી પોતાની બેઠકને યોગ્ય ઠેરવી અને શરદ પવારના ખુબ વખાણ કર્યાં. તેમણે કહ્યું હતું કે, શરદ પવાર જેવા કદના નેતા દેશમાં નથી. મહારાષ્ટ્રની આવી સ્થિતિમાં તેમની સાથે વાત કરવી કશું ખોટું નથી.
મહારાષ્ટ્રમાં 24 ઑક્ટોબરે આવેલા વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ તથા સરકારમાં 50-50ની ભાગીદારી માંગી રહી છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જ સ્પષ્ટ કર્યુ છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે આવો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. આ ચૂંટણીમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ 56 અને બીજેપીએ 105 સીટો પર જીત નોંધાવી છે.