રૂપાણી સરકાર પર PM મોદી-અમિત શાહની બાજ નજર, ભરી શકે છે આવું મોટું પગલું

નેતાઓની આંતરિક રાજનીતિને ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની હાર માટે જવાબદાર માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 6 પેટાચૂંટણીઓમાં ભાજપે ત્રણ બેઠક ગુમાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાતની વિજય રૂપાણી સરકાર સ્થાનિક નેતાઓ વચ્ચે ઝઘડો અટકાવવામાં નિષ્ફળ ગઈ છે. માનવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં ભાજપનાં સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપ હાઈકમાન્ડ ત્રણ બેઠકો પર મળેલા પરાજયના કારણે લાલઘૂમ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ દિવાળી નિમિત્તે ગુજરાતની મુલાકાત દરમિયાન સ્થાનિક નેતાઓને આડે હાથે લીધા હોવાનું મનાય છે અને પરાજય પોતાની પરાજય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર એકતા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ નારાજ હતા. એવું માનવામાં આવે છે કે નારાજગીના કારણે તે દિવસે તેમણે ગુજરાના એકેય નેતાને સાથે રાખ્યા ન હતા.

મીડિયા અહેવાલો અનુસાર, ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણ પર નજર રાખવા માટે દર મહિને ગુજરાતની મુલાકાતે આવે છે. 15 નવેમ્બરના રોજ અમિત શાહ ગુજરાતની મુલાકાત લઈ શકે છે અને 21-22 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ મોદી) ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ગુજરાત વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંનેનું ગૃહ રાજ્ય છે અને આવી સ્થિતિમાં ગુજરાતમાં ચાલતી ભાંજગડની અસર સીધી રાષ્ટ્રીય સ્તરે થઈ શકે છે.

ગુજરાતમાં 6 બેઠકો માટેની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 15 વર્ષ પછી થરાદ બેઠક જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ગુજરાતના પરિણામો ભાજપ માટે એટલા માટે ગંભીર છે કે મોદી સરકારે કલમ 370 રદ્દ કરી પરંતુ તે મુદ્દો પેટાચૂંટણીઓમાં ભાજપને લાભ અપાવી શક્યો નહીં. આ માટે ગુજરાત સરકાર અને સંગઠનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.