NCPએ શિવસેનાને ટેકો આપતા પહેલાં મૂકી દીધી આકરી શરત, મોદી કેબિનેટના આ મંત્રીનું માંગ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ ચાલી રહેલી ભારે ખેંચતાણમાં અનેક અટકળો ચાલી રહી છે, અને તેમાં શિવસેના-એનસીપીની સરકારની રચનાએ જોર પકડ્યું છે. આ દરમિયાનમાં મોટા સમાચાર આવી રહ્યા છે કે એનસીપીએ શિવસેનાને સમર્થન આપવા માટે એક આકરી શરત મૂકી દીધી છે. એનસીપીએ મોદી સરકારમાં શિવસેનાના મંત્રી અરવિંદ સાવંત મંત્રી પદેથી રાજીનામું આપે તેવી શરત મૂકી દેતા શિવસેના માટે મુશ્કેલી સર્જાઈ છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે પહેલાંથી જ દાવો કર્યો છે કે વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં એનસીપી ભાજપના ઉમેદવારને હરાવવામાં મદદ કરી શકે છે. પણ તે પહેલાં એનસીપી શિવસેનાની ગંભીરતાનું પરીક્ષણ કરવા માંગે છે. એનસીપી નેતાએ કહ્યું કે શિવસેનાને સરકારની રચના માટે એનસીપીનું સમર્થન જોઈએ છે અને કોંગ્રેસના સમર્થનની અપેક્ષા કરી રહી છે.

જો શિવસેના સાચા અર્થમાં આવું સમીકરણ ઈચ્છે છે તો તેણે પ્રથમ મોદી સરકારમાં શિવસેનાનાં મંત્રી અરવિંદ સાવંતને રાજીનામું આપવા માટે કહી દેવું જોઈએ, જેનાથી નવા સમીકરણની મજબૂતીનો અંદાજો આવી શકે. નહીંતર બધો દેખાડો સાબિત થશે અને અંતે શિવસેના-ભાજપની સરકાર બનશે.

એનસીપીના સૂત્રો કહી રહ્યા છે કે આ શક્ય નથી કે કેન્દ્રમાં શિવસેના મોદી સરકારમાં મંત્રી પણ રહેવા દે અને મહારાષ્ટ્રમાં એનસીપી તેનું સમર્થન કરે. બન્ને ઘોડે સવાર થવાનું યોગ્ય નથી રહેતું. હાલમાં અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાં ભારે ઉદ્યોગ અને જાહેર શ્રમ મંત્રી તરીકેનો પદભાર સંભાળેલો છે. લોકસભા ચૂંટણીમાં સાવંતે કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાને પરાજય આપ્યો હતો.

288 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં ભાજપના 105 ધારાસભ્યો છે. જ્યારે શિવસેનાનાં 56 છે કોંગ્રેસ-એનસીપીએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને કોંગ્રેસને 44 તથા એનસીપીને 54 સીટ મળી હતી.