અયોધ્યા અંગે જમીઅતે ઉલ્માએ હિન્દે મૌન તોડ્યું, આપ્યું આવું મોટું નિવેદન

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં કોઈપણ પ્રકારનું વાતાવરણ બગડે નહીં તે પૂર્વે મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને મૌલાના મુસ્લિમોને શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. વળી, સૌએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને એકસૂરે અનુસરવા તાકીદ કરી છે.

ઇસ્લામિક સંગઠન જમીઅતે ઉલ્મા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ પણ લોકોને અયોધ્યા વિવાદ કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમર્થન આપવા અપીલ કરી છે. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે નિર્ણય અમારા પક્ષમાં રહેશે અથવા તો વિરોધમાં હશે, બન્ને સ્થિતિમાં તેને સ્વીકારવાનો રહે છે. તેમણે કહ્યું કે જમીઅત ઉલ્મા-એ-હિન્દ સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમર્થન આપશે.

ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંધમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ રજૂ કરતાં રવિવારે ઈસ્લામિક સંગઠન જમીઅત ઉલ્મા-એ-હિંન્દ દિવાળી મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સમય દરમિયાન, ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના તમામ નેતાઓ સાથે સ્થાનિક નેતાઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જમીઅત ઉલ્મા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ દિવાળી પર સૌને અભિનંદન આપતાં કહ્યું હતું કે આપણે પરસ્પર ભાઈચારા સાથે રહેવું જોઈએ.

મૌલાના અરશદ મદનીએ અયોધ્યા અંગે કહ્યું કે આ મુદ્દે અમને સુપ્રીમ કોર્ટનો નિર્ણય માન્ય રહેશે. કોર્ટનો નિર્ણય મંદિરની તરફેણમાં આવે કે પછી મસ્જિદની તરફેણમાં, અમે નિર્ણયને સમર્થન આપીએ છીએ. તેમણે કહ્યું કે દેશ આપણો છે, કાયદો આપણો છે અને કોર્ટ પણ આપણી છે. આવી સ્થિતિમાં અદાલતના નિર્ણયને સ્વીકારવાની જવાબદારી આપણા બધાની છે. તેમણે કહ્યું કે જે લોકો આ નિર્ણયનો અસ્વીકાર કરી ઝઘડો કરશે તે મુસ્લિમ અને દેશનું નુકશાન કરશે. જમીઅત ઉલ્મા-એ-હિન્દ આવા લોકોને ટેકો આપતું નથી.