કોંગ્રેસનો દાવો: વ્હોટ્સઅપ સ્પાયવેર દ્વારા પ્રિયંકા ગાંધીના ફોનને હેક કરાયો હતો

વ્હોટ્સએપ હેકને લઈને હવે રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકારે પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ત્રણ વિપક્ષી નેતાઓના ફોન હેક કર્યા હતા. શનિવારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આવો જ દાવો કર્યો હતો.

કોંગ્રેસે કહ્યું કે બીજા નેતા પ્રફુલ પટેલ છે, જેમનો ફોન હેક કરવામાં આવ્યો છે. પ્રફુલ્લ પટેલ  શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી ભૂતકાળમાં કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ રવિવારે બપોરે પત્રકારોને જણાવ્યું હતું કે, “જેમના ફોન હેક થયા હતા તે બધાને જ્યારે વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યા હતા તેવો જ મેસેજ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ મળ્યો હતો.

ગયા અઠવાડિયે ફેસબુકની માલિકીના વ્હોટ્સએપએ આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયલી સાયબર સિક્યુરિટી કંપની એનએસઓએ સ્પાયવેર પેગાસસ ફેલાવવા માટે વોટ્સએપ સર્વરનો ઉપયોગ કર્યો હતો. આમાં 20 દેશોના આશરે 1,400 વપરાશકર્તાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના ફોન હેક કરવામાં આવ્યા હતા. સામાન્ય ચૂંટણીઓ પૂર્વે એપ્રિલમાં બે અઠવાડિયા સુધી ભારતના બે ડઝનથી વધુ લોકોની પણ જાસૂસી કરવામાં આવી હતી.

સ્પાયવેર જાસૂસીમાં મોટે ભાગે ભારતીય પત્રકારો, કાર્યકરો, વકીલો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સામેલ છે. ફેસબુકે એનએસઓ વિરુદ્વ દાવો દાખલ કર્યો છે. જોકે, એનએસઓ દાવો કર્યો છે કે પોતાના પ્રોડક્ટસનું લાયસન્સ છે અને નિયમો અનુસાર કાયદેસર કંપનીઓને આપવામાં આવે છે.

કોંગ્રેસે ભાજપ સરકારને ઉજાગર કરવાનો દાવો કરીને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. કોંગ્રેસ માંગ કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રશ્નોના જવાબ આપે. સુરજેવાલાએ ભાજપને ‘ભારતીય જાસૂસ પાર્ટી’ ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર આ મુદ્દે બધી જાણકારી હોવા છતાં મૌન છે. તેમણે કહ્યું, “12 સપ્ટેમ્બરના રોજ આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી, પરંતુ તેમણે હેકિંગનો મુદ્દો ઉઠાવ્યો નહીં આ એક રહસ્યમયી મૌન હતું.”