શિવસેના પડી કૂણી: ભાજપ સાથે ગઠબંધનને લઈ કહી આ મોટી વાત…

મહારાષ્ટ્રમાં સીએમ પદ અંગેના વિખવાદને કારણે શિવસેનાનું ભાજપ પ્રત્યેનું વલણ હવે નરમ થઈ રહ્યું છે. શિવસેનાએ કહ્યું કે તેણે ક્યારેય વાટાઘાટો અટકાવી નથી અને ગઠબંધન ધર્મનું પાલન કરશે. મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ અને તેના સાથી શિવસેનાને બહુમતી મળી છે, પરંતુ બંને પક્ષોએ હજી ઔપચારિક વાતચીત શરૂ કરી નથી. વર્તમાન મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આઠમી નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાએ ગઠબંધન સાથે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને અમે અંતિમ ક્ષણ સુધી ગઠબંધન ધર્મનું પાલન કરીશું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખવાના કોંગ્રેસ નેતા હુસેન દલવાઈના પગલાનું પણ તેમણે સ્વાગત કર્યું છે. આ પત્રમાં દલવાઈએ કોંગ્રેસ હાઈકમાન્ડને મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી સરકારની રચનાને સમર્થન આપવા વિનંતી કરી છે.

શુક્રવારે સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના સ્થિર સરકાર બનાવવા માટે બહુમતિનો આંકડો એકત્રિત કરી શકે છે. તેમણે કહ્યું કે, “રાજ્યની હાલની રાજકીય પરિસ્થિતિ જોતાં એવું કહી શકાય કે શિવસેના અને ભાજપ સિવાય દરેક જણ એકબીજા સાથે વાત કરી રહ્યા છે.” તેમણે કહ્યું કે શિવસેનાએ સરકારની રચના અંગેની ચર્ચાને અટકાવી નથી .. પણ વાટાઘાટો શરૂ થઈ નથી.

એનસીપી ચીફ શરદ પવારને મળવા અંગે તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સાથે જોડાયેલા ઘણા મુદ્દા છે, જેના પર પાર્ટીના જુદા જુદા નેતાઓ એકબીજાની વચ્ચે વાતચીત કરી રહ્યા છે. નોંધનીય છે કે ગુરુવારે સંજય રાઉત અને શરદ પવારની મુલાકાત બાદ જ મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના જોડાણની ચર્ચા શરૂ થઈ હતી. બીજી તરફ, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ પણ ઝડપી પગલા તરીકે દિલ્હી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.