“મહા” વાવાઝોડાને લઈ આવ્યા આ મોટા સમાચાર, ગુજરાતના માથેથી ટળી ગયું સંકટ? જાણો

ગુજરાતના માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું કે, “ ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ચોથી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં તેની આગાહી અમે હાલ પૂરતી નથી કરી રહ્યા પરંતુ અમે માછીમારોને ગુજરાતના દરિયામાં દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સક્રિય છે. ચોથી નવેમ્બર બાદ વાવાઝોડું ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને દ.ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવતાં નબળું પડશે પરંતુ અનેક જિલ્લામાં વિપુલ પ્રમાણમાં વરસાદ થશે. રાજ્યના ભાવનગર, બોટાદ,અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સંઘ પ્રદેશ, દમણ-દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, તાપી ઉપરાંત આણંદ-ખેડા નડિયામાં પણ વરસાદ વરસશે

હવામાન વિભાગે માછીમારોને 8મી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. વાવાઝોડાની અસરના પગલે 5મી નવેમ્બરથી 7મી નવેમ્બર સાંજ સુધી 40-50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશ.