આર્થિક સ્થિતિને લઈ મોદી સરકાર અંગે મુકેશ અંબાણીનું મોટું નિવેદન, મંદીને લઈ કરી આ વાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં આર્થિક મંદી કામચલાઉ છે. તેમનું કહેવું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં લીધેલા પગલાથી આગામી ક્વાર્ટર્સમાં સકારાત્મક પરિણામો આવશે તેવી અપેક્ષા છે. સાઉદી અરેબિયામાં એન્યુઅલ ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ ‘રણમાં દાવોસ’ માં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી (પીએમ મોદી)ની સરકાર દ્વારા ઓગસ્ટ પછીથી કરવામાં આવેલા સુધારાના પરિણામો આવતા ક્વાર્ટર્સમાં જોવા મળવાના છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં ગતિ થોડી મંથર ચાલી રહી છે, પરંતુ મને લાગે છે કે તે કામચલાઉ છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિના દરમિયાન જે પણ સુધારાનાં પગલાં લેવામાં આવ્યા છે, તેના પરિણામો બહાર આવશે અને મને વિશ્વાસ છે કે આવનારા ક્વાર્ટર્સમાં આ સ્થિતિ બદલાશે. ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે.

જોકે, છેલ્લા પાંચ ક્વાર્ટર્સમાં ભારતના જીડીપી રેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ-જૂન 2019 ક્વાર્ટરમાં, તે પાંચ ટકા પર આવી ગયું છે. એક વર્ષ અગાઉ, આ સમયગાળા દરમિયાન જીડીપી વૃદ્ધિ દર (જીડીપી ગ્રોથ રેટ)  આઠ ટકા પર હતો. 2013 પછીનો આ સૌથી નીચો વિકાસ દર છે. આના માટે રોકાણમાં સુસ્તી અને વપરાશમાં ઘટાડાને કારણભૂત માનવામાં આવે છે.

સુસ્ત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે છેલ્લા કેટલાક મહિનામાં નીતિ સ્તરે અનેક નીતિગત પગલા લીધા છે. નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)માં પ્રવાહિતાની સ્થિતિને સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. બેંકોને ઉચ્ચ ગુણવત્તાની એનબીએફસી સંપત્તિ ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પીએસયુ બેંકોમાં નવી મૂડી ઉમેરવામાં આવી છે અને કંપનીઓ માટે ટેક્સના દરને સ્પર્ધાત્મક બનાવવા માટે મોટા કાપ મૂકવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા બંને પાસે આર્થિક વિકાસને આગળ ધપાવવા ટેકનોલોજી, યુવા ધન અને નેતૃત્વ બંને છે. મહત્ત્વની વાત એ છે કે તેલ અને રસાયણોના વ્યવસાયમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે મુકેશ અંબાણી સાઉદી અરબની તેલ કંપની અરામકો સાથે વાતચીત કરી રહ્યા છે.