ભલે મહારાષ્ટ્રમાં સત્તાની ભાગ બટાઈના મામલે ભાજપ શિવસેના વચ્ચે તણખલા ઝરી રહ્યા હોય પણ એવું લાગે છે કે છેવટે ઘી-ખીચડીમાં જ રહેશે. ભાજપને પણ આશા છે કે તે સરકારમાં જોડાવા સંમત થશે. આ આશા સાથે દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. જો કે, જો ભાજપના સહયોગી શિવસેના મહત્વપૂર્ણ મંત્રાલયો અને સીએમ પદ અંગેના પોતાના વલણને નરમ પાડશે તો અન્ય વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે.
એવું માનવામાં આવે છે કે સરકારની રચના કરવા માટે દબાણ બનાવી સરકારમાં પોતાની વગ વધારવાનો મામલો હોઈ શકે છે. શિવસેના સરકારમાં પોતાનું ધાર્યું કરાવવાની વેતરણમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
પ્રથમ વખત શિવસેનાએ ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી અને ભાજપને 2014ની સરખામણીએ ઓછી બેઠકો મળી છે. આમાં શિવસેનાને એક મોકો દેખાઈ રહ્યો છે. મંગળવારે ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે સરકાર બનાવવા માટેની મીટીંગ નક્કી કરવા માટે બેઠક યોજાવાની હતી પરંતુ શિવસેનાએ તેને રદ કરી દીધી હતી.
જોકે અગાઉ જોવા મળ્યું છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં પીએમ મોદીને નિશાન બનાવવામાં આવે છે, તેમ છતાં મહાગઠબંધન ચાલુ છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા થયેલી ડીલને જોતાં એમ કહી શકાય કે મતભેદો હંગામી છે અને બન્ને પક્ષો સાથે મળીને જ સરકાર રચશે.
દરમિયાન, ભાજપના વિધાનસભા પક્ષની બેઠક આજે બુધવારે બોલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવે તેવી શક્યતા છે.