શું શિવસેનાના ધારાસભ્યોને ભાજપ તોડશે? સાંસદનો ધડાકો “સંપર્કમાં છે 45 ધારાસભ્ય”

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ માટેના નિવેદનબાજી તીવ્ર બની ગઈ છે. પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 50-50 ફોર્મ્યુલામાં સીએમ પદના દાવાને નકારી દીધો, ત્યારબાદ શિવસેનાના સંજય રાઉતે પ્રતિક્રિયા આપી. હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંજય કાકડેએ મોટો ધડાકો કરી દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શિવસેનાના 45 ધારાસભ્યો ભાજપ સાથે સંપર્કમાં છે, જે ભાજપ સાથે સરકાર બનાવવા માંગે છે. જણાવી દઈએ કે આ વખતે શિવસેનાના માત્ર 56 ધારાસભ્યો જીત્યા છે.

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદે કહ્યું કે, સેનાના 56માંથી 45 ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે, તેઓ સતત કોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને પણ સરકારમાં શામેલ કરવા જોઈએ.

ભાજપના રાજ્યસભાના સાંસદે કહ્યું કે શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તાર વિપક્ષમાં બેસવાની વાત કરી રહ્યા છે, તે અગાઉ કોંગ્રેસમાં હતા, તેથી તેમની આ ટેવ છે. આજના સમયમાં શિવસેનાના બધા મંત્રીઓને સત્તામાં રહેવાની ટેવ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પણ આ મામલે સંમત થશે.

ભાજપના સાંસદે કહ્યું કે શિવસેનાએ પહેલેથી જ કહ્યું છે કે જરૂર પડી તો અમે વિપક્ષમાં બેસીશું. અમે કોંગ્રેસ અને એનસીપી સાથે ક્યારેય નહીં જઈશું.

તેમણે દાવો કર્યો હતો કે શિવસેનાનાં ધારાસભ્યો દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે કશું પણ કરો પણ અમને સરકારનો ભાગ બનાવો. જો કે, પાછળથી જ્યારે સંજય કાકડેએ કહ્યું કે આ બધા 45 ધારાસભ્યો શિવસેના અને ભાજપની સરકાર બનાવવા માટેની જ વાત પર ભાર મૂકી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના જોડાણને કુલ 161 બેઠકો મળી હતી, જેમાંથી 105 ભાજપ અને શિવસેના પાસે 56 સીટ છે.

મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું હતું કે શિવસેના સાથે 50-50 ફોર્મ્યુલામાં મુખ્યમંત્રી પદ વિશે કોઈ વાત થઈ નથી. તેમણે કહ્યું કે અમે કોઈ બી અથવા સી પ્લાન અંગે વિચારણા કરી રહ્યા નથી, તે નિશ્ચિત છે કે તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન બનશે.

જો કે તરત જ દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર શિવસેના તરફથી પણ પલટવાર કરાયો હતો. સંજય રાઉતે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ તેમના વચનથી ફરી ગયા છે. સંજય રાઉતે કહ્યું કે અમે અમારો હક માંગીએ છીએ. શિવસેના અને ભાજપ વચ્ચે ચૂંટણીના પરિણામો આવ્યા પછીથી નિવેદનબાજી ચાલી રહી છે.