મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, શા માટે શિવસેનાના નેતા સંજય રાઉતે આવું કહ્યું?

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ભાજપ અને શિવસેના વચ્ચે આંતરિક ઝઘડા વચ્ચે શિવસેનાના નેતાનું મોટું નિવેદન આવ્યું છે. જ્યારે સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે, ચૂંટણી પૂર્વે ભાજપ સાથે જોડાણ હોવા છતાં સરકાર બનાવવામાં કેમ વિલંબ થાય છે, ત્યારે તેમણે ભાજપ પર નિંદા કરતાં કહ્યું કે અહીં કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં હોય. અહીં આપણે ધર્મ અને સત્યની રાજનીતિ કરીએ છીએ.

સંજય રાઉતે કહ્યું કે શરદ પવારે ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ વાતાવરણ બનાવ્યું છે. તેઓ ક્યારેય ભાજપ સાથે નહીં જાય. શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે વધુ વિકલ્પો છે, પરંતુ અમે તે વિકલ્પને સ્વીકારીને પાપ કરવા માંગતા નથી. શિવસેનાએ હંમેશા સત્યનું રાજકારણ કર્યું છે. શિવસેના સત્તા ભૂખી નથી.

શિવસેના અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રીની માગણી પર મક્કમ છે. ત્યાંજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, પાંચ વર્ષમાં હું જ મુખ્યમંત્રી બનીશ. ફડણવીસના નિવેદન બાદ શિવસેનાએ ભાજપ સાથેની મીટીંગ રદ્દ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહમંત્રી અમિત શાહ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે. જો ઉદ્ધવ ઠાકરેની સાથેની બેઠકમાં વાત નહીં બને તો પછી ધારાસભ્યોની બેઠકો બાદ ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મળીને સરકાર ગઠનનો દાવો કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે હરિયાણામાં ભાજપને ટેકો આપનારી દુષ્યંત ચૌટાલાની જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલા છે. તેમના પિતા જેલમાં છે. ભાજપને સમર્થન આપ્યા બાદ દુષ્યંત ચૌટાલાના પિતાને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સંજય રાઉતે આ બાબત તરફ આવી રીતે કટાક્ષ કર્યો હતો.