ભાજપના સાથી રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા ભાજપ-શિવસેનાને આપી આવી ફોર્મ્યુલા

કેન્દ્ર સરકારમાં મંત્રી અને મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન પાર્ટી આરપીઆઈના વડા રામદાસ અઠાવલેએ ભાજપ અને શિવસેનાને સરકાર રચવા માટે એક નવી ફોર્મ્યુલા આપી છે અને તેમણે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઈ આવે અને બન્ને પક્ષો વચ્ચે સમજૂતીના દ્વાર ખોલે.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં રામદાસ અઠાવલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપને 103 સીટ મળી છે એટલે મુખ્યમંત્રી પદ પર ભાજપનો અધિકાર છે. શિવસેનાએ ડેપ્યુટી સીએમ પદ લઈ લેવું જોઈએ અને ભાજપે શિવસેનાને કેબિનેટમાં વધારે પોર્ટફોલિયો પણ આપવા જોઈએ. મહારાષ્ટ્રમાં શિવસેના વિના ભાજપ સરકાર બનાવી શકે એમ નથી. તો શિવસેનાને પણ ભાજપ વિના ચાલી શકે એમ નથી. એટલે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના અને આરપીઆઈની સરકાર બનાવવા માટે આ પગલું જરૂરી છે.

તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેના વચ્ચે 32 વર્ષથી જોડાણ ચાલી રહ્યું છે. અને વખતની ચૂંટણીમાં ભાજપને શિવસેના કરતાં વધારે સીટ મળી છે. એટલે સ્વભાવિક છે કે મુખ્યમંત્રી ભાજપનો જ બની શકે છે. મુખ્યમંત્રી પદ માટેનો દાવો અને ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાની મમત શિવસેનાએ છોડી દેવી જોઈએ.