Big Breaking: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે આરપારની લડાઈ, ફડણવિસે રોકડું પરખાવ્યું, “પાંચ વર્ષ સુધી રહીશ CM”

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટેનો ઝઘડો વધી રહ્યો છે. ભાજપ અને શિવસેના વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હોવાના સંકેત મળી રહ્યા છે. શિવસેના સતત ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલા પર અડગ છે ત્યારે ભાજપે ફરી એક સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રી પદ શેર કરવામાં આવશે નહીં

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમારી પાર્ટીના અધ્યક્ષ (અમિત શાહે) પુષ્ટિ કરી છે કે શિવસેનાને સીએમ પદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે હજી સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ખાતરી આપું છું કે આગામી સરકાર ભાજપના નેતૃત્વમાં બનશે અને પાંચ વર્ષ સુધી હું જ મુખ્યમંત્રી પદે રહીશ.

તમને જણાવી દઇએ કે શિવસેના દ્વારા ભાજપની સતત ટીકા કરવામાં આવી રહી છે અને પ્રેશર ઉભૂં કરવામાં આવી રહ્યું છે. અપક્ષો ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાના ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્ય છે. આવતીકાલે મહારાષ્ટ્ર ભાજપે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી કરવામાં આવશે. માનવામાં આવે છે કે આવતીકાલે જ ભાજપ દ્વારા સરકાર રચવાનો દાવો પણ કરવામાં આવી શકે છે.

બીજી તરફ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ શિવસેનાના ઉચ્ચ નેતૃત્વ સાથે સરકાર રચવામાં આવી રહેલા અવરોધોને દૂર કરવાની વાત કરી શકે છે. આઠ નવેમ્બર સુધીમાં નવી સરકારની રચના થવાની છે.