વીડિયો: સુરતમાં 50 લાખથી વધુની ઠગાઈ, 136 પાસપોર્ટ સાથે ટૂર સંચાલક ગાયબ

સુરતના બડેખાં ચકલા વિસ્તારમાં આવેલી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ ધરાવતો સંચાલક લાખો રૂપિયાની ઠગાઈ કરીને ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. લોકોએ અઠવા પોલીસ સ્ટેશનમાં ગત રાત્રીએ મોરચો માંડ્યો હતો અને ટૂર સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સુરતના ઢીંગલી ફળીયા. કબૂતરખાના પાસે, બડેખાં ચકલા વિસ્તારમાં આલે રસુલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફીસ ખોલીને અઝીમ સૈયદ નામનો શખ્સ લોકોને હજ અને ઉમરા કરવા માટે વીઝાનું કામકાજ કરે છે. પણ પાછલા કેટલાક દિવસોથી અઝીમ સૈયદ ગાયબ થઈ ગયો હોવાનું પવિત્ર યાત્રાએ જવા માંગતા યાત્રીઓએ પોલીસને કહ્યું છે.

અઠવા પોલીસ મથકે હોબાળા થયા બાદ લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઉમરા કરવા માટે કેટલાક લોકોએ પોતાના જીવનની મૂડી ખર્ચી નાંખી છે. અંદાજે 136 પાસપોર્ટ સાથે ટૂર સંચાલક ગાયબ થઈ ગયો છે. ઘરેથી જવાબ મળી રહ્યો છે કે વિઝાની કાર્યવાહી કરવા માટે દિલ્હી ગયા છે પણ તેમનો ફોન સતત બંધ આવી રહ્યો છે. 31મી ઓક્ટોબરે ફ્લાઈટ હોવાનું ઠગાઈનો ભોગ બનેલા લોકોનું કહેવું છે.

જૂઓ છેતરાયેલા લોકોનો વીડિયો…

જ્યારે બીજી તરફ રાંદેર પોલીસ સ્ટેશનમાં અઝીમ સૈયદના પરિવારજનોએ અઝીમ સૈયદ ગુમ થયો હોવાની ફરીયાદ આપી છે. આમ આખું પ્રકરણ સસ્પેન્સ સર્જી રહ્યું છે. ટૂર સંચાલકનાં ભેદી રીતે ગૂમ થવા પાછળ અને ત્યાર બાદ 136 લોકોના પાસપોર્ટ સાથે ગાયબ થવાની ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ ત્રણ દિવસ પહેલાં ગૂમ થવા અંગેની ફરીયાદ દાખલ કરી છે.

પવિત્ર ઉમરા કરવા માટે જવા માંગતા લોકો હાલ અટવાઈ ગયા છે અને અંદાજે તમામના આશરે 50 લાખ રૂપિયા ટૂર સંચાલક પાસે હોવાનો આરોપ પણ લોકોએ કર્યો છે.