યુરોપિયન યૂનિયનની મુલાકાત પહેલા જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં ગ્રેનેડ હુમલો, અનેક ઘવાયા

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સોમવારે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 નાગરિકો ઘાયલ થયાના અહેવાલ છે. શ્રીનગરના કરણ નગર વિસ્તારમાં આવા જ હુમલામાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાના માત્ર બે દિવસ બાદ આ હુમલો થયો છે.

નોંધનીય છે કે શનિવારે સીઆરપીએફની ટીમ પર આતંકીઓના ગ્રેનેડ હુમલોમાં 6 જવાનો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે આ સીઆરપીએફની ટીમ સુરક્ષા ચોકીને સંભાળી રહી હતી, તે દરમિયાન આતંકવાદીઓએ તેના પર ગ્રેનેડ ફેંકી દીધો હતો.

યુરોપિયન યુનિયનના 28 સભ્યો કાશ્મીર ગયા તે પહેલાં આ ઘટના બની હતી. સોમવારે યુરોપિયન યુનિયનના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. યૂરોપિયન યૂનિયનની ટીમ મંગળવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ શકે છે.

આ ટીમ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ મળવાની છે. દરેકની નજર તેમની આવતીકાલની કાશ્મીર ટૂર પર છે. યુરોપિયન યુનિયનના સાંસદોને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આતંકવાદને બચાવવા અને રાજકીય રીતે તેનો ઉપયોગ કરનારા વિરુદ્વ સખત પગલાં લેવાની જરૂર છે.

નોંધપાત્ર વાત એ છે કે 24 ઓક્ટોબરે શોપિયાંમાં આતંકીઓ દ્વારા બે ટ્રક ચાલકોને ઠાર મારવામાં આવ્યા હતા. આ સાથે આતંકીઓ દ્વારા ટ્રકમાં આગ ચાંપી દેવામાં આવી હતી. ટ્રક ડ્રાઈવરો અહીં સફરજન લેવા આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં દક્ષિણ કાશ્મીરમાં ટ્રક ડ્રાઇવરોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે.

જમ્મૂ-કાશ્મીર સિક્યોરીટીના અનુસંધાને હાઈએલર્ટ પર છે. પાંચમી ઓગષ્ટે કલમ 370 રદ્દ કર્યા બાદ કાશ્મીરમાં પ્રતિબંધનાત્મક હુકમો કરવામાં આવ્યા હતા અને અનેક નેતાઓને અટકમાં લેવામાં આવ્યા હતા.