સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને લઇ દિવાળીના તહેવાર દરમ્યાન રાતે 8 થી 10 સુધી ફટાકડા ફોડવા માટે આદેશ કરેલો હોવાછતાં અને આ ચુકાદા અનુસંધાનમાં પોલીસ કમિશનરો દ્વારા રાત્રે દસ વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જારી કર્યું હોવાછતાં બાળકો, યુવાઓ સહિતના લોકોએ દિવાળીના તહેવારને લઇ બિન્દાસ્ત રીતે મનમૂકીને ફટાકડા ફોડયા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા પોલીસ અને તંત્રએ કમને પ્રયાસો કર્યા હતા.
છૂટાછવાયા કિસ્સામાં પોલીસે ગેરકાયદે ફટાકડા ફોડતાં લોકો વિરૂધ્ધ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ તેમાંપણ પોલીસ દ્વારા ફટકડાના ચુકાદા અને પોલીસના જાહેરનામાના ભંગ બદલ વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇ કેટલાક વિસ્તારમાં વગદાર લોકો હોવાથી પોલીસ ફરિયાદ ઓછી નોંધી રહી છે તેવી ચર્ચા પણ ઉઠવા પામી હતી. બીજીબાજુ, રાજય સરકારે પણ સુપ્રીમકોર્ટના હુકમ મુજબ, ફટાકડા ફોડવાનો સમય જાહેર કર્યો હોવાથી પોલીસ અને તંત્ર અમલવારી માટે પગલાં લઇ રહી છે પરંતુ તેમછતાં લોકોએ બિન્દાસ્ત ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરી હતી.
સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અને પોલીસના જાહેરનામાં છતાં વહેલી પરોઢથી જ જુદા-જુદા શહેરોના વિસ્તારોમાં ફટાકડા ફુટવાની શરૂઆત થઇ ગઇ હતી. ખાસ કરીને વહેલી સવાર અને મોડી સાંજે અને મોડી સાંજ બાદ રાતભર ફટાકડા ફુટતા રહ્યા હતા. ખાસ કરીને સોસાયટીઓ, ફલેટો અને એપાર્ટમેન્ટના પ્રાંગણોમાં તેમ જ તે વિસ્તારમાં ફટાકડા વધુ ફોડાયા હતા. અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતે પોલીસ અને તંત્રની સુપ્રીમકોર્ટના ચુકાદાના પાલન માટે બાજ નજર હોવાના કારણે જાહેર માર્ગો અને સ્થળોએ ફટાકડા ફોડવાના કિસ્સા ઓછા નોંધાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે, જેના પગલે અગાઉ સુપ્રીમ કોર્ટે રાતે 8 થી 10 સુધી ફટાકડા ફોડવાના આદેશ કર્યા હતો. સુપ્રીમના આદેશ છતાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. શહેર પોલીસ કમિશનરે પણ હોસ્પિટલ, નર્સિંગહોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોથી 100 મીટરના વિસ્તારને સાઇલન્ટ ઝોન જાહેર કર્યો છે, જેથી ત્યાં કોઇ પ્રકારના ફટાકડા ન ફોડવા જણાવાયું છે. જો કોઇ વ્યક્તિ રાતે 10 પછી ફટાકડા ફોડશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેવી સૂચના પર પોલીસ દ્વારા અપાઇ રહી છે પરંતુ આ જાહેરનામા કે સુપ્રીમકોર્ટનો આદેશ છતાં લોકોએ મન મૂકીને ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ધમાકેદાર ઉજવણી કરી હતી.