અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાના કારણે સુરતથી લઈ સૌરાષ્ટ્ર સુધી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. દરીયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરતના સુંવાલી ગામ ખાતેનો અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો છે. માછીમારો અને લોકોને ખાસ્સું નુકશાન થવા પામ્યું છે.
વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દરીયાની સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે. સુંવાલી અને અમરેલીના જાફરાબાદ તથા અન્ય દરિયા કાંઠાના વિસ્તારોમાં છથી સાત ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે.
વાવાઝોડાની અસરના કારણે ધોધમારા વરસાદ પડતાં ખેડુતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કાપણી માટેના પાકને નુકશાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોટાભાગના માછીમારોની બોટને કિનારે લાંગરી દેવામાં આવી છે. માછીમારોને દરીયો ન ખેડવા નિર્દેશ આપવામાં આવ્યા છે તો સહેલાણીઓને પણ દરીયા કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર સાબદું બની ગયું છે.