શું શિવસેના વિના પણ મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવી શકે છે? જાણો આખાય રાજકીય ખેલને

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાને બહુમતી મળી હોય, પરંતુ બંને વચ્ચેના ઝઘડાએ અનિશ્ચિતતાની સ્થિતિનું નિર્માણ કર્યું છે. એક તરફ શિવસેનાએ સરકારમાં 50-50 ટકા ફોર્મ્યુલાને પગલે ભાજપને અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ વિશે લેખિતમાં ખાતરી આપવાનું કહ્યું છે, બીજી તરફ ભાજપ હવે શિવસેના વિના સરકારની રચનાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકમાં બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. ભાજપ પાસે 105 ધારાસભ્યો છે જ્યારે શિવસેનાના 56 છે, જ્યારે એનસીપીના 54 અને કોંગ્રેસના 44 છે. આ સિવાય 13 અપક્ષ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં જો ભાજપને 13 અપક્ષોના ટેકા ઉપરાંત એનસીપીનો ટેકો મળે તો તે શિવસેના વિના સરકાર બનાવી શકે છે.

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખવાની વાત કરનાર ભાજપે કહ્યું છે કે બુધવારે તે પોતાના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરશે. આ પછી સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે, પછી ભલે શિવસેના આવે કે નહીં. શનિવારે પાર્ટીના નવા ચૂંટાયેલા 56 ધારાસભ્યો સાથેની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ ભાજપ પાસેથી 50-50 ટકા ફોર્મ્યુલા પર લેખિત ખાતરી માંગે છે. તેમાં કેબિનેટ પોર્ટફોલિયોના સમાન વિતરણનો પણ સમાવેશ થાય છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં 105 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યા શિવસેનાની માંગને આ રીતે સ્વીકારવી અમારા માટે મુશ્કેલ રહેશે. અહેવાલો અનુસાર, જો

શિવસેના ભાજપને મુખ્યમંત્રી આપવા અંગે સાથે સંમત નહીં થાય, તો દેવેન્દ્ર ફડણવીસ અલ્પતમતની સરકારની રચના કરી શકે છે. 2014માં કર્યું હતું તેમ ભાજપ લઘુમતી સરકાર બનાવી શકે છે. તે સમયે તેમણે લઘુમતી સરકારની રચના કરી હોવા છતાં શરદ પવારની પાર્ટી એનસીપીએ તેમને બિનશરતી ટેકો આપ્યો હતો.

2014માં ભાજપ અને શિવસેનાએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે ભાજપ પાસે 122 અને શિવસેનાની 63 બેઠકો હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાનો કોઈ સવાલ નથી. અમારું માનવું નથી કે વિધાનસભાની ચૂંટણીઓ પછી ભાજપના પ્રમુખ અમિત શાહ સાથે મુખ્યમંત્રી પદ આપવા અંગે માટે કોઈ સમજૂતી થઈ હોય.

બીજી તરફ, માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અન્ય વિકલ્પો પર વિચાર કરવા જણાવ્યું છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે કહ્યું કે, હું આશા રાખું છું કે પાર્ટીને અન્ય વિકલ્પો પર વિચાર કરવા દબાણ કરવામાં આવશે નહીં. ઠાકરેએ બેઠકમાં ધારાસભ્યોને કહ્યું હતું કે, ચૂંટણી પછીની સમજૂતી ન થાય ત્યાં સુધી ભાજપને સરકાર રચવા અંગે રાજ્યપાલ પાસે દાવો કરવા દેવામાં આવશે નહીં. રાજ્યમાં વર્તમાન વિધાનસભાની મુદત આઠમી નવેમ્બરના રોજ સમાપ્ત થવાની છે.

ભાજપના સૂત્રો કહે છે કે એકવાર ફડણવીસ સીએમ પદ પર બેસે છે, તો પછી તેમને બહુમતી સાબિત કરવા માટે થોડા દિવસો મળશે. ભાજપ આશરે 13 અપક્ષોના સમર્થનનો દાવો કરી રહી છે, જે ભાજપ અને શિવસેનાના બળવાખોર છે.

ગુરુવારે પરિણામો આવ્યા બાદ જ અનેક અપક્ષ ધારાસભ્યોએ સરકારને ટેકો આપવાની વાત કરી હતી. ઘણા લોકોએ પણ આ અંગે દેવેન્દ્ર ફડનિસને લેખિત ખાતરી આપી છે. ભાજપનું માનવું છે કે જો ફડણવીસ મુખ્યમંત્રી બને તો સરળ બહુમતી પ્રાપ્ત થશે.