કોંગ્રેસ માટે ખતરાની ઘંટડી: ઔવેસીની થઈ રહી છે ગુજરાતમાં એન્ટ્રી, સરવે પૂરજોશમાં, જાણો શું છે હિલચાલ

ઓલ ઈન્ડીયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લેમીન(MIM) દ્વારા ગુજરાતમાં એન્ટ્રીની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં MIM દ્વારા દરેક જિલ્લામાં સરવેની કામગીરી કરવામાં આવી રહી છે અને સરવે પૂર્ણ થઈ ગયો છે.

MIM દ્વારા ચાલી રહેલા સરવેની કામગીરી સંભાળતા વડોદરાના હાજી ઈસ્માઈલ માંદાએ સમકાલીનને જણાવ્યું કે ગુજરાતમાં જનમત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ટીમ નીમીને જનમત મેળવવામાં આવી રહ્યો છે. જનમત દરમિયાન MIM દ્વારા માત્ર જિલ્લા વાઈઝ 50-100 ફોર્મ ભરવાનું નક્કી કરાયું હતું પરંતુ મુસ્લિમ અને અન્ય સમાજોમાંથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક જિલ્લામાંથી આશરે 500-1000 ફોર્મ ભરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં MIMના સંગઠનનને ઉભું કરવાની પાયાકીય કામગીરી કરવામાં આવી રહી છે, ત્યાર બાદ સંગઠનનું મળખું તૈયાર કરવામાં આવશે અને તે પછી હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આવતા વર્ષે તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીઓમાં પણ MIM દ્વારા ગુજરાતમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવે તેવી શક્યતા છે. જોકે, અંતિમ નિર્ણય MIMના વડા અસસોદ્દીન ઔવેસી લેશે.