ગુજરાત કોંગ્રેસનું માળખું જમ્બો રહેશે? અગાઉ હતા 400 હોદ્દેદારો, આકરા પાણીએ અમિત ચાવડા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાને વિખેરી નાંખવાની જાહેરાત કરી છે ત્યારે હવે નવા માળખાની પ્રક્રિયા દિવાળી પછી હાથ ધરાય તેવી પૂરી શકયતા છે. જેમાં કોંગ્રેસ પક્ષના વફાદાર અને નિષ્ઠાવાન લોકોને સ્થાન આપવાની ઉદાર નીતિ અપનાવાય તેવી પણ સંભાવના બળવત્તર બની છે. હવે પછીનું માળખું જમ્બો નહીં હોય અને હોદ્દેદારોની સંખ્યા ઘટાડવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસના પ્રદેશ માળખાને વિખેરતી વખતે જો કે, પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને યથાવત રાખવામાં આવ્યાં છે. બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાને વિખેરી નાંખવામાં આવતાં પ્રદેશ સમિતિમાં સ્થાન ધરાવતાં ભરૂચ જિલ્લાના અનેક નેતાઓની ઘરવાપસી થાય તેવી પણ શકયતા છે. આ નેતાઓમાં રાજેન્દ્રસિંહ રણા, યુનુસ પટેલ, અરવિંદ દોરાવાલા, મુકેશ જૈન, રફીક ઝઘડીયાવાલા અને ડી.સી. સોલંકીનો સમાવેશ થવા જાય છે. અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ ભરૂચના સ્થાનિક આગેવાનોને પ્રદેશ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હવે આ નેતાઓને ફરીથી પ્રદેશ સમિતિમાં સ્થાન મળે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ માળખું વિખેરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને યથાવત રાખ્યા છે, આમ યુદ્ધમાં પરાજિત સેનાનો સેનાપતિ યથાવત્‌ રહ્યો છે અને સૈનિકો વધેરાયા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની 26માંથી 26 બેઠકો ઉપર ભૂંડી રીતે હાર થઈ હતી, એ પછી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પ્રદેશનું માળખું વિખેરવા માટે ભલામણ કરી હતી, જેને હાઈકમાન્ડે મોડે મોડે પણ મંજૂરી આપી હતી. ગુજરાત કોંગ્રેસનું અત્યારે કારોબારી સાથેનું 400નું જમ્બો માળખું હતું, જેમાં 22 ઉપપ્રમુખ, 44 મહામંત્રી, 180 મંત્રી, સાત પ્રદેશ પ્રવકતા વગેરેનો સમાવેશ થતો હતો, જો કે, હવે આ માળખું સંપૂર્ણપણે વિખેરી નાંખવામાં આવ્યું છે.

કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયને પગલે હવે તમામ હોદ્દેદારો પૂર્વ થઈ ગયા છે, અલબત્ત, પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને યથાવત્‌ રાખવાનો નિર્ણય કરાયો છે. હવે દિવાળી પછી આગામી દિવસોમાં કોંગ્રેસના નવા પ્રદેશ માળખા માટેની કસરત પ્રદેશ સ્તરે કરાશે, જેની યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવશે એ પછી નવું માળખું જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે તાજેતરમાં જ દેશના દસ રાજ્યોમાં સંગઠન માળખા વિખેર્યા છે અને નવેસરથી કવાયત હાથ ધરી છે.